સાબરકાંઠામાં વારસાઇમાં નામ દાખલ કરવા 10 હજાર લાંચ માંગી, તલાટી ઝબ્બે
કોરોના મહામારી વચ્ચે વિજયનગર તાલુકાના ગામે તલાટી લાંચ લેતા ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. વારસાઇમાં નામ દાખલ કરવા માટે અરજદારે પાસે રૂ.10,000 ની લાંચ માંગી હોવાથી ફરીયાદીએ એસીબીને જાણ કરી હતી. જેને લઇ એસીબીએ છટકું ગોઠવી અને આ તલાટીને ગ્રામપંચાયતમાં જ લાંચની રકમ સ્વિકારતાં રંગેહાથે ઝડપી લીધો હતો. સ્થાનિક ચર્ચાઓ મુજબ તલાટી વિધાર્થીઓના જાતિ-આવકના દાખલા કાઢવા માટે નાણાંની માંગ પણ કરતો હોવાનું સામે આવ્યુ હતુ.
સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના ચંદ્રોખા ગ્રુપ ગ્રામપંચાયતના તલાટી 10,000ની લાંચ લેતા આબાદ ઝડપાઇ ગયા છે. ચંદ્રોખા ગ્રામ પંચાયતના કાયમી અને ભાંખરા ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી ગીરીશ લક્ષ્મણભાઇ પટેલે ગામમાં કોઇ અજરદાર પાસે વારસાઇમાં નામ દાખલ કરવા લાંચ માંગી હતી. જોકે વારંવાર ધક્કા ખાઇને કંટાળેલા જાગૃત નાગરિકે એસીબીને જાણ કરી હતી. જેથી મોડાસા એસીબીના સી.ડી.વણઝારાની ટીમે સફળ રેડ કરી ગ્રામ પંચાયતમાં જ તલાટીને લાંચની રકમ સ્વિકારતા ઝડપી પાડ્યો હતો.