રામમંદિર, સરસ્વતી દેવી, શંખ અને સ્વસ્તિકની દીપ આકૃતિએ લોકોનાં મન મોહ્યાં

સાબરકાંઠા
સાબરકાંઠા

આજથી દિવાળી પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિંમતનગરમાં ગત રાત્રિના ગ્લોરિયસ સ્કૂલમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરી હતી. એટલું જ નહિ પણ આ 8000 દીવાઓમાં રામમંદિર, ભગવાન શ્રીરામ, સરસ્વતી દેવી, શંખ અને સ્વસ્તિકની આકૃતિઓ બનાવતા આહલાદક દૃશ્યો જોવા મળ્યાં હતાં.હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલી ગ્લોરિયસ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વના પ્રારંભ પૂર્વે બુધવારની રાત્રે સ્કૂલના મેદાનમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ સાથે મળીને એક જગ્યા પર 8000 દીવડા પ્રગટાવી ફટાકડા ફોડી દિવાળી પર્વની ઉજવણી કરી હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વની ઉજવણીના આયોજનમાં ચાર દિવસથી સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓએ એકસાથે મળીને સ્કૂલના મેદાનમાં પ્રથમ ચોક વડે રામમંદિર, સરસ્વતી દેવી, ભગવાન શ્રીરામ, શંખ અને સ્વસ્તિકનાં ચિત્રો દોર્યાં હતાં. ત્યાર બાદ સૌ સાથે મળીને કોડિયામાં રૂની દિવેટ અને 45 લિટર તેલ વડે દીવડાને ગોઠવવામાં આવ્યા હતા.દિવાળીના પ્રારંભ પૂર્વે બુધવારની રાત્રિએ સ્કૂલમાં અલગ અલગ જગ્યાએ કલ્પનાના કલરોની રંગોળી બનાવવામાં આવી હતી. શિક્ષક, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટ્રસ્ટીઓ એકસાથે મેદાનમાં સુસજ્જ રીતે ગોઠવવામાં આવેલા દીવડાઓને પ્રગટાવી અજવાળું પાથર્યું હતું.


આ અજવાળામાં ભગવાન શ્રીરામનું રામમંદિર, ભગવાન શ્રીરામ, સરસ્વતી દેવી, શંખ અને સ્વસ્તિક દર્શનને સૌકોઈ ઉપસ્થિત લોકોએ નિહાળ્યા હતા. એટલું જ નહિ પણ આ યાદગાર ક્ષણે પોતાના મોબાઈલમાં સેલ્ફી લેવાનું વાલીઓ, વિદ્યાર્થીઓ કે શિક્ષકો ચૂક્યા ન હતા. ત્યાર બાદ તારામંડળ, કોઠી, ચકરડી સળગાવીને ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.આ અંગે ગ્લોરિયસ સ્કૂલના આચાર્ય ઋષિરાજ રાજપૂતે જણાવ્યું હતું કે, આ સ્કૂલમાં ધો 1થી 12નો અભ્યાસક્રમ ચાલે છે. જેમાં 1300 વિદ્યાર્થીઓ અને 90 શિક્ષકો છે. ત્યારે સૌના સાથ સહકારથી છેલ્લાં પાંચ વર્ષથી દિવાળી પર્વની ઉજવણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓ સાથે કરવામાં આવે છે. સૌપ્રથમ 1500 દીવડાઓથી ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ધીમે ધીમે દીવડાઓની સંખ્યા વધારવામાં આવી છે. ત્યારે આ વખતે પાંચમા વર્ષે 8000 દીવડાઓને 45 લિટર તેલના ઉપયોગથી પ્રગટાવવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.