પ્રાંતિજમાં રોડ પર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકવા રજૂઆત કરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રોડ પરથી પસાર થતા ભારે વાહનો શાળાના સમયે બંધ કરવા માટે બાળકોની સલામતીને લઈને પ્રાંતિજ-તલોદ પ્રાંત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર કચેરીએ પહોંચી સ્કુલ, કોલેજ સ્ટાફ સહિત વાલીઓ, વિવિધ સંસ્થા આગેવાનોએ આવેદનપત્ર આપ્યુ હતું.
પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન સુધીના એપ્રોચ રોડ પર આશરે 12 જેટલી સ્કુલ કોલેજ આવેલી છે. આ રોડ ઉપર સરકારી કચેરીઓ અને સંસ્થાઓ પણ આવેલી છે. તો મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ અર્થે શાળાઓમાં આવતા હોય છે. દરમિયાન ભારે વાહનો જેમાં ડમ્પરો, રેતી-માટી, કંપચી ભરીને ભારે વાહનો ગતિ મર્યાદા તોડી બેફામ દોડતા હોય છે. જેને લઈને અવાર નવાર અકસ્માતોની ઘટના બને છે. આવી ઘટનામાં બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.
પ્રાંતિજ ખાતે આવેલી વિવિધ સ્કુલના આચાર્ય, કોલેજના પ્રિન્સીપાલો, વિવિધ સંસ્થાના પ્રમુખો, વાલીઓ, સામાજિક કાર્યકરો સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે પહોંચી પ્રાંતિજ-તલોદની પ્રાંત કચેરીએ હાજર શિરસ્તેદાર અશ્વિનભાઈને આવેદનપત્ર આપ્યુ હતું. તો પ્રાંતિજ મામલતદાર આર.જી. ઠેસિયાને પણ આવેદનપત્ર આપીને શાળા સમયે અને શાળા છુટવાના સમયે રોડ ઉપર આવતા ભારે વાહનો કાયમી બંધ કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.