હિંમતનગરના મોતીપુરામાં વરલી મટકાના જુગારનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે 1 શખ્સને ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં વરલી મટકાનો ખુલેઆમ જુગાર ચાલતો હોવાનો વીડિયો વાયરલ થતા સાખ બચાવવા શહેર એ ડિવિઝન પોલીસ દોડતી થઇ હતી. અને જે જગ્યાનો વીડિયો હતો તે જગ્યાએ જ રેડ કરી એક શખ્સને રૂ.10, 800 ની રોકડ સિલક સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. નોંધનિય છે કે શહેરમાં ચોક્કસ પોકેટમાં દારૂ, વરલી મટકુ, નશાના વેપારના કેન્દ્રો ચાલી રહ્યા છે. ત્યારે વીડિયો વાયરલ થાય તો જ પોલીસ હરકતમાં આવશેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

ભરચક વિસ્તારમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃત્તિ
મંગળવારે શહેરમાં વરલી મટકાનો ખુલેઆમ જુગાર ચાલતો હોવાનો અને એ પણ પોલીસના કોઇપણ જાતના ખોફ વગર મોતીપુરા પીકઅપ સ્ટેન્ડની નજીકમાં જ કે જ્યાં દિવસ દરમિયાન સેંકડો લોકોની અવર જવર રહે છે તે સ્થળનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને વીડિયોમાં દેખાતા સ્થળે પહોંચી જતા પોલીસને જોઇ આંકડા લખાવતો એક શખ્સ ભાગી ગયો હતો અને આંકડા લખનાર તોફીક ખાન સિકંદર ખાન પઠાણ (રહે. હડીયોલ પુલ છાપરીયા મકદૂમ સોસાયટી પાસે)ને ઝડપી લઇ તેની પાસેથી વરલી મટકાના આંકડા લખેલી જુદી જુદી સ્લીપો અને રૂ.10,800 રોકડા કબ્જે લઇ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12(અ) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મોતીપુરા પીકઅપ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં પોલીસે પરમીટ આપ્યું હોય તેમ ખુલ્લેઆમ ચાલી રહેલ વરલી મટકાનુ કેન્દ્ર કેટલાય સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યું હતુ અને વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાતા શખ્સો પણ શંકાના દાયરામાં હોવા છતાં એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.