સાબરકાંઠામાં લારી-ગલ્લા માટે ફૂડ એન્ડ ડ્રગનું લાયસન્સ ફરજિયાત

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ખાણી પીણીમાં સંભવિત ભેળસેળ અને જિલ્લાવાસીઓના આરોગ્ય સાથે ચેડા ન થાય તે હેતુસર અગાઉના તમામ રજિસ્ટ્રેશન રદ કરી ફૂડ વિભાગનું લાયસન્સ ફરજિયાત બનાવાયું છે. અને તેના માટે વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જેને પગલે ચાની કિટલી અને નાનકડી લારીઓ પર ખાણી પીણીનો વ્યવસાય કરી પેટીયું રળનારામાં આક્રોશ પેદા થયો છે.

જાહેર સ્થળો પર ચાલતા ટી સ્ટોલ, પાન પાર્લર, પાણીપુરી, દાબેલી, નાસ્તા હાઉસ, ફાસ્ટફૂડ, લારી-ગલ્લા અને બાર લાખથી ઓછા ટર્ન ઓવરવાળા રિટેલર વગેરે પર ફૂડ વિભાગે કોરડો વીંઝ્યો છે. નાનો વ્યવસાય કરી પેટીયું રળનારા હવે કાયદાની ઝપટમાં આવનાર છે. સૌથી મોટી સમસ્યા એ બની રહેનાર છે કે ધંધાના સ્થળની માલિકી અથવા તો ભાડાનો પુરાવો માંગવામાં આવ્યો છે.

મોટાભાગના પાણીપુરી અને પાનના ગલ્લાનાં વેપારીઓ જાહેર માર્ગો ફૂટપાથ પર જ વ્યવસાય કરે છે. તેમના માટે આ પુરાવા રજૂ કરવા અશક્ય છે. જો કાયદાનું પાલન કરાવાશે તો રોજગારી છીનવાઈ જવાનો ડર પેદા થતા ભારે રોષ પેદા થયો છે. ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બાબુભાઇ ગણાવાએ વિગત આપતા જણાવ્યું કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણી-પીણીની લારી – ગલ્લા ચલાવતા વેપારીઓ માટે લાયસન્સ લેવું જરૂરી બનાવાયું છે અને જે વેપારીઓએ અગાઉથી જ ફિઝિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવ્યા હતા તે તમામ રદ કરવામાં આવ્યા છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. જેના અંતર્ગત પ્રાંતિજમાં તા.24/02/22ના રોજ નગરપાલિકા સભાખંડમાં તેમજ ખેડબ્રહ્માના નગરપાલિકા હોલમાં તા.25/02/22ના રોજ કેમ્પનું આયોજન કરાયું છે.

આ વેપારીઓને લાયસન્સ લેવું પડશે
ટી સ્ટોલ, પાન પાર્લર, પાણીપુરી, દાબેલી, નાસ્તા હાઉસ, ફાસ્ટફૂડ, લારી-ગલ્લા અને બાર લાખથી ઓછા ટર્ન ઓવરવાળા રિટેલર વેપારીઓને લાયસન્સ લેવું પડશે. જ્યારે જેમની પાસે અગાઉથી ફિઝિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હતું તે રદ કરવામાં આવ્યું છે અને હવે તેમને પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી સર્ટિ મેળવી લેવાનું રહેશે.

લાયસન્સ લેવા માટે આ આધાર પુરાવા જોઇશે
વેપારીનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો, આધાર કાર્ડ અથવા ફોટો અને રહેઠાણનો સરનામાનો પુરાવો, ધંધાની જગ્યાનું લાઇટ બિલ, જગ્યાની માલિકીનો પુરાવો, ભાડાની જગ્યા હોય તો ભાડા કરાર, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે ફીની રકમ જેમાં એક વર્ષ માટે રૂ.100 અને મહત્તમ પાંચ વર્ષ માટે રૂ.500 રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.