કોવિડ વિજયરથનું મોટી ઇસરોલ ગામેથી લીલી ઝંડી બતાવી મોડાસા તાલુકા માટે પ્રસ્થાન કરાવાયું
રખેવાળન્યુઝ સાબરકાંઠા : કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામા આગમન થઈ ચૂકયું છે.આજરોજ આ વિજયરથ મોડાસા તાલુકામાં મોટી ઇસરોલ ગામે આગમન થતા જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલે લીલીઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દિનેશભાઇ પટેલ, મહામંત્રી રમેશભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અહીંથી રથ મરડીયા પહોંચતા સાબરડેરી ડિરેકટર ભીખુસિંહ પરમાર દ્વારા ત્યાં રથનું સ્વાગત કરી ગાજણ થઈ મોડાસા પહોંચતા હવે મોડાસામાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આ કોવિડ ૧૯ વિજયરથ ફરશે અને લોકજાગૃતિ લાવવા લોકો વચ્ચે જઈ મહામારીની ગંભીરતા અને તેના માટે જરૂરી સાવચેતી રાખવા,માસ્ક પહેરવા, સોશિયલ સિસ્ટનસિંગ રાખવા વગેરે બાબતો અંગે લોકોમાં વધુ જાગૃતિ લાવવા પ્રયાસ કરાશે.