હિંમતનગર પાલિકામાં પુરવઠા વિભાગની જર્જરીત ટાંકી ઉતારી લેવા નિર્ણય કરાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર પાલિકાની સામાન્ય સભા ગતરોજ ર્ડા.નલીનકાન્ત ટાઉન હોલમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પાણી પુરવઠા વિભાગની જર્જરીત થયેલી ટાંકી ઉતારી લઇ નવીન ટાંકી તેમજ જૂના સંપને રીપેરીંગ કરવા માટેના ટેન્ડરને લગતી કામગીરીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે અધ્યક્ષ સ્થાનેથી સીટી બસ વિભાગની જૂની થઇ ગયેલી બે સીટી બસોના બદલામાં નવીન બે સીટી બસો ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ યતીનબેન મોદીના અધ્યક્ષ સ્થાને ગતરોજ ર્ડા.નલીનકાન્ત ગાંધી ટાઉન હોલમાં ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, કારોબારી ચેરમેન સાવન દેસાઇ, ઉપપ્રમુખ અને બાંધકામ સમિતીના ચેરમેન અમૃત પુરોહિતની ઉપસ્થિતમાં સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં સાક્ષક પક્ષના વિવિધ ચેરમેનો, સદસ્યો તેમજ વિપક્ષના સદસ્યો સાથે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભા દરમિયાન નગરપાલિકાની વિવિધ ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાલિકાના બાંધકામ વિભાગ દ્વારા ગ્રાન્ટમાંથી તેમજ સ્વભંડોળમાંથી મંજૂર કરેલા કામોના ઓનલાઇન ઓફ લાઇન ટેન્ડર પ્રક્રિયા કરી એજન્સી ફિકસ કરી આવેલ ભાવો અંદાજીત રકમ કરતા ઉંચા અથવા નીચા આવેલા હતા. ટેન્ડરમાં ભાવોમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખી વધુ ખર્ચ મંજૂર રાખવા અને સમય મર્યાદા વધારવા બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકા સંચાલિત મહાવીરનગર કેશવ કોમ્પ્લેક્ષના સુચારૂરૂપે સંચાલન થાય તે માટે કેમેરા સર્વેલન્સ સિસ્ટમ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ યુડીપી 88 ગ્રાન્ટવર્ક 2021-22ની ગ્રાન્ટ અન્વયે પાલિકા વિસ્તારમાં ક્રિષ્ણા સ્વીટ માર્ટથી લિંબચ માતાના મંદિરે જોડતો બાકી રહેલ ટીપી રોડ તથા રોનક પાર્કથી શાંતિનગર હયાત રોડને જોડતો ટીપી રોડ ડેવલોપ કરવાની કામગીરી અંગે પણ નિર્ણય કરાયો હતો. હિંમતનગર શહેરમાં નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા નવીન ડેવલોપ થયેલ વિસ્તાર તેમજ જૂના વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનો નાખવા, 15મા નાણાપંચની ટ્રાઇડ ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા બાબત તેમજ પાણીની ટાંકી જર્જરીત થઇ હોય તે ઉતારી લઇને નવીન ટાંકી બનાવવા તેમજ જૂનો સંપ રિપેર કરવા સહિતના વિવિધ કામો માટેની મંજૂરી આપવામાં આવી હતી.સામાન્ય સભા દરમિયાન વિપક્ષના નેતાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ન્યાય મંદિર વિસ્તારમાં આવેલ રોટરી સર્કલના પાણીના ફુવારા દેખરેખના અભાવે બંધ થઇ ગયેલ છે. તેમજ સાફ સફાઇ પણ કરવામાં આવતી નથી. બાંધકામ વિભાગ દ્વારા ફુવારાઓ ચાલુ કરી નવીની કરણ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.