હિંમતનગરના એન્જિનિયરો-કર્મચારીઓનો પડતર માંગણીઓને લઈને આવતીકાલથી હડતાલ પર
હિમતનગર જેટકો સર્કલમાં આવતા આગીયોલ, ધનસુરા, ઇડર અને માણસા જામળા ચાર ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર, વર્ગ-3 અને 4ના ટેક્નીકલ સ્ટાફ સાથે AGVKSના કર્મચારીઓ મળી 200 કમર્ચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર પ્રમોશન અપાયેલા ઓર્ડર રદ કરવા, સર્કલ ઝોન ડિવિઝનના નવા યુનિટની મંજૂરી, કર્મચારીઓ માટે ઇન્સેટીવ સ્કીમમાં ફેરબદલ સહિતની માગણીઓને લઈને આજરોજ હિંમતનગરના મોતીપુરામાં આવેલા હિંમતનગર જેટકો સર્કલ ઓફીસ આગળ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હિંમતનગર જેટકો જેબાના સર્કલ સેક્રેટરી સોમેશ માથુરે જણાવ્યું હતું કે, અમારી માંગણીઓને લઈને ગઈકાલે ચર્ચા વિચારણા યોજાઈ હતું, પરંતુ પરિણામ આવ્યું ન હતું. જેને લઈને આજે હિંમતનગર જેટકો સર્કલના ચાર ડિવિઝનના એન્જિનિયરો સાથે વર્ગ-3 અને 4ના કર્મચારીઓ મળી 200 જણા માસ સીએલ પર ઉતર્યા છીએ. તો પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આવતીકાલ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈશું. જેને લઈને તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાશે. ગ્રાહકોને હાલાકી ભોગવવાનો વારો આવશે અને અંધારપટ પણ છવાઈ જશે. આવતીકાલે હિંમતનગર જેટકો સર્કલની ઓફીસ આગળ તમામ કમર્ચારીઓ ધરણાં પ્રદર્શન કરશે.