હિંમતનગરમાં ચાર પેઢીમાં ઇન્કમટેક્સના દરોડા, તપાસમાં થયેલા મોટા વ્યવહારોને લઈને અન્ય પેઢીઓ પર પણ તપાસ કરવામાં આવી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર શહેરમાં આરટીઓ સર્કલ નજીક આવેલા ચાર મોટા રોડ કોન્ટ્રાક્ટરોના ઘરો તેમજ ઓફિસો ઉપર ગુરૂવારે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ડઝનબંધ વાહનો સાથે આઇટી વિભાગની સુરક્ષા કર્મીઓ સાથે ટીમે કાર્યવાહી કરી છે. ત્યારે કરોડો રૂપિયાનું કાળુ નાણું બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી. તો સતત બીજા દિવસે પણ કાર્યવાહી યથાવત છે, તપાસમાં નીકળતા મોટા વ્યવહારોને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર શહેરના આરટીઓ સર્કલ નજીક આવેલી અને ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં રોડ કોન્ટ્રાક્ટરોના કામો કરતા કોન્ટ્રાક્ટરોની ઓફિસ તેમજ ઘર ઉપર ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પહોંચી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. ડઝનબંધ વાહનો સાથે આઇકરની ટીમોએ શહેરમાં કરેલા દરોડાની કાર્યવાહીથી અન્ય વેપારીઓએ પણ પોતાની ઓફિસો બંધ કરીને રવાના થઇ ગયા હતા.

આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલી અને રોડ કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલી એચ.એસ. ખણુશીયા, અનીશ વિજાપુરા, જી.એચ. વિજાપુરા અને એપેક્સ ગૃપમાં ઇન્કમટેક્સની સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સતત બીજા દિવસે પણ મોડી રાત સુધી ઇન્કમટેક્સના અધિકારીઓએ તપાસની કામગીરી યથાવત રહી હતી. તો મોટા વ્યવહારોને લઈને અન્ય પેઢીઓને ત્યાં અને ભાગીદારોને ત્યાં પણ તપાસ કરી હતી અને પૂછપરછ પણ કરી હોવાનું બિન સત્તાવાર સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

હિંમતનગરમાં જે.એચ. વિજાપુરા અને એચ.એસ. ખણુશીયા નામની પેઢી ધરાવતા રોડ કોન્ટ્રાક્ટરો ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના અન્ય રાજ્યોમાં રોડ કોન્ટ્રાક્ટનો મોટો કારોબાર કરી રહ્યાં છે. ઇન્કમટેક્સની કાર્યવાહીથી રોડ કોન્ટ્રાક્ટર પેઢીઓ સાથે સંકળાયેલા અન્ય વેપારીઓ પણ પોત પોતાની ઓફિસો બંધ કરીને રવાના થઇ ગયા હતા. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જિલ્લાના સૌથી મોટા ચાર રોડ કોન્ટ્રાક્ટરો પર કરેલી કાર્યવાહીના પગલે આગામી દિવસોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અન્ય પેઢીઓ પર પણ તપાસ કરવામાં આવશે તો નવાઇ નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.