સાબરકાંઠા જિલ્લામાં બીજા રાઉન્ડમાં ભારે વરસાદ માં ઈડરિયા ગઢ ના ઝરણા આકર્ષણનું કેન્દ્ર બન્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં બીજા રાઉન્ડમાં ભારે વરસાદ વરસ્યા બાદ વરસાદે વિરામ લીધો છે. ત્યારે જળાશયોમાં પાણીની આવક ઘટી છે. બીજી તરફ ઇડર ગઢ પરથી વહેતા ઝરણા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.વરસાદના બીજા રાઉન્ડમાં જિલ્લાના આઠ તાલુકામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં તલોદ અને ઇડરમાં વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદે વિરામ લીધો છે, ત્યારે જળાશયોમાં પાણીની આવક ઘટી છે. તો જિલ્લામાં 50.67 ટકા ભરાયેલા ગુહાઈ જળાશયમાં 100 ક્યુસેક પાણીની આવક સાતે 54.87 ટકા ભરાયું. હરણાવ જળાશયમાં 30 ક્યુસેક પાણીની આવક સાથે 50.08 ટકા ભરાયું. ખેડવા જળાશયમાં 30 ક્યુસેક પાણીની આવક, ફ્રીફલો જવાનપુરા બેરેજમાં 1120 ક્યુસેક પાણીની આવક અને 1120 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. ગોરઠીયા બેરેજમાં 2500 ક્યુસેક પાણીની આવક અને 2500 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે.

ઇડરમાં વરસાદને લઈને નગરના રોડ પર પાણી ભરાયા બાદ ગઢ પરથી ઝરણા શરુ થયા છે. જે અહીંથી પસાર થતા વાહનચાલકો અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે ઇડરથી અંબાજી તરફના માર્ગ પરથી પસાર થતા એસટીમાં મુસાફરી કરતા મુસાફરો, વાહનચાલકો અને પ્રવાસીઓની એક નજર ઇડર ગઢ પર પડતા ઝરણાથી હટતી નથી. એક પછી એક ડુંગર પરથી વહેતા ઝરણા અને પથ્થરોને જોયા કરે છે.

અરવલ્લીની પ્રાચીનતમ ગિરીમાળામાં આવેલો ઈડરીયો ગઢ અતિ સુંદર ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો ભૌગાલિક વિસ્તાર છે. આ ઈડરીયો ગઢ સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદી માહોલમાં તેની ટોચ સાથે અથડાતા વાદળો અને ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વાદળો સાથે સંતાકૂકડી રમતો ઈડરીયા ગઢ ઉપર જાણે લીલી ચાદર બીછાવવામાં આવી હોય તેમ હાલ ચોતરફ લીલોતરીનું જ સામ્રાજ્ય દેખાઇ રહ્યું છે. સતત પડી રહેલા વરસાદથી ઈડરીયા ગઢના ઝરણાં પણ વહેતા થયાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.