સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટીંગ ઇડરમાં પોણા 6 ઇંચ વરસાદ, પ્રાંતિજમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વિજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે હિંમતનગર સહિત પંથકમાં દિવસ દરમિયાન ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરના બેરણા રોડ ઉપર આવેલી યશ્સ્વી બંગ્લોઝ, સાકર બંગ્લોઝ, કર્ણાવણી સોસાયટી, ઉમિયાનગર સહિતની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવીત થયુ હતુ. સતત પડી રહેલા વરસાદના કારણે ખાળ કૂવા બેસી જવાના પણ અનેક કિસ્સાઓ બહાર આવ્યા હતા. હિંમતનગરની સહકારી જીન વિસ્તારમાં આવેલ નિકુંજ સોસાયટી, મહાવીરનગરની ઉમિયા વિજય સોસાયટી સહિતની સોસાયટીઓના રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મેઘરાજાનુ રૈદ્ર સ્વરૂપ જોવા મળ્યુ છે. ત્યારે ધોધમાર વરસાદના કારણે કડોલી, રંગપુર, પ્રમપુર સહિતના ગામોના ખેતરોમાં પાણી ભરાયા હતા. મોતીપુરા વિસ્તારમાં પણ પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. ઠેરઠર ગાબડા અને વરસાદી પાણી ભરાવાના કારણે તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થઇ હતી.

​​​​​​​તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સાહિત શહેરમાં સાર્વત્રિક જળબંબાકાર સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 12 કલામાં પોણા 6 ઇંચ વરસાદ વરસતા તલોદ શહેરના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને નિચાણવાળા વિસ્તારોમાં આવેલી ચંદ્રપ્રભું સોસાયટી, કલાલની ચાલી, માર્કેટ યાર્ડ પાછળ આવેલ વિસ્તારમાં ઢીચણ સમા પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદના કારણે તલોદની કુમાર શાળા, શાંતિનગર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઇ ગયા હતા. તલોદ જીઇબીની ઓફીસમાં પણ પાણી ભરાઇ જવાના કારણે મોટરથી પાણી ખેંચી ઓફિસની બહાર પાણી કાઢવામાં આવ્યુ હતું. તલોદ શહેરના મુખ્ય માર્ગો પર તેમજ તલોદ ગામના જાહેર માર્ગો પર અડધા ફૂટ જેટલુ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

​​​​​​​
ઈડર તેમજ વડાલી શહેરમાં વહેલી સવારથી મેઘરાજની તોફાની બેટિંગ શરૂ થતાં ઈડરમાં પોણા 6 ઈંચ અને વડાલીમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના નદી-નાળા છલકાય હતા. ધોધમાર વરસાદ વરસતા ઈડર શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ઈડર ત્રિરંગા સર્કલથી સત્યમ ચાર રસ્તા તેમજ વલાસણા રોડ પર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ભારે વરસાદ ના કારણે જન જીવન પર અસર જોવા મળી હતી. ઈડરના નેત્રમાલી ગામની પાછળના ભાગે દેવગઢ કમ્પામાં વરસાદી પાણીનું વાઘુ પસાર થાય છે. ત્યારે ભારે વરસાદના કારણે વાઘામાં વરસાદી પાણીનો વધુ આવરો ભરાતા પશુ પાલકની ગાયો અને ભેંસો ફસાઈ હતી જેને લઈ ઈડર ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ઈડર ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ફાયરના જવાનો દ્વારા ગળાડૂબ વરસાદી પાણીમાં ઉતરી દોરડા વડે પશુ પાલકની સાત જેટલી ગાયો અને ભેંસોનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવતા પશુ પાલકે રાહતનો શ્વાસ લીધો હતો ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી.

​​​​​​​ખેડબ્રહ્મા પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી ખેડવા ડેમમાંથી 500 ક્યુસેક પાણી છોડવામાં આવતા ડેમ નજીક તેમજ નદી કિનારા વિસ્તારના ખેડવા, બોરડી, પઢારા, બાસોલ, પરોયા, નવાનાના, જગન્નાથપુરા, રોધરા, વાલરણ, વરતોલ, ભુતીયા, શીતોલમાં ગામ લોકોને સાવચેત રહેવા તાકીદ કરાઇ હતી. ખેડબ્રહ્મા શહેરમાં પણ વરસાદ વરસતા હરણાવ નદીમાં નિર આવ્યા હતા. સતત વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.