ખેડબ્રહ્મામાં સાસરીયાના ત્રાસથી પરીણિતાએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
ખેડબ્રહ્મા તાલુકાના ગામે સાસરીયાના ત્રાસથી પરીણિતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પંથકના એક ગામની પરીણિતાઓ અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. આ સાથે પરીણિતાને બાળક નહીં થતાં હેરાન કરી ત્રાસ આપતાં હોઇ પરીણિતાએ આ પગલું ભર્યાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે પરીણિતાના પિતાએ 4 સાસરીયાઓ સામે નામજોગ ગુનો નોંધાવતાં ખેરોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ચાંગોદ ગામની પરીણિતાએ સાસરીયાઓના ત્રાસથી જીવન ટુંકાવી લીધુ છે. બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના ગામની રીનાબેનના લગ્ન ચાંગોદ ગામના ભેમાભાઇ નારણભાઇ મકવાણા સાથે ત્રણેક વર્ષ અગાઉ થયા હતા. જે બાદમાં પ્રથમ સારૂ રાખ્યાં બાદ સાસરીયાઓ તેને ત્રાસ આપતાં હતા. જેમાં પરીણિતાનો પતિ ભેમાભાઇ, જેઠ દીલીપભાઇ, દિયર જીગાભાઇ અને સાસુ મમતાબેન અવાર-નવાર તેને ત્રાસ આપતાં હોઇ પરીણિતાએ પિયરમાં વાત કરી હતી. જોકે વારંવારના ત્રાસથી કંટાળી છેવટે પરીણિતાએ 28 એપ્રિલના રોજ ખેરોજ પેટ્રોલપંપની પાછળ વડલાના ઝાડ નીચે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પરીણિતાને સંતાન થતું ન હોઇ તેના પતિ સહિત સાસરીયાઓએ તેને ત્રાસ આપતાં હતા. આ દરમ્યાન ગત તા.28 એપ્રિલના રોજ પરીણિતાના પિતા સહિતના તેને મળવા જતાં તેને ફરી સાસરીયાઓ હેરાન કરતાં હોવાની ફરીયાદ કરી હતી. આ તરફ તે જ દિવસે સાંજે પરીણિતાની લાશ ખેરોજ પેટ્રોલપંપની પાછળ વડલાના ઝાડ સાથે સાડી વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી. સમગ્ર મામલે મૃતકના પિતાએ 4 વ્યક્તિ સામે ખેરોજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ સામે આઇપીસી કલમ 306, 498A, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.