હિંમતનગરમાં પાલિકાએ પ્લાસ્ટિક પોલ્યુશનને અટકાવવા દુકાનદારોને 2.42 લાખથી વધુ દંડ ફટકાર્યો
સાબરકાંઠા જિલ્લામાં પર્યાવરણ પર પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 3 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ લોકોને પ્લાસ્ટિકની થેલીઓના વિકલ્પ રૂપે જ્યુટ અથવા કોટન બેગ જેવા ટકાઉ વિકલ્પો વાપરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. 05 જૂન 2022 વિશ્વ પર્યાવરણના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું તબક્કાવાર નષ્ટ કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ ભારત સરકારના વન પર્યાવરણ અને આબોહવા (ક્લાઈમેટ ચેન્જ ) મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 01 જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.હિંમતનગર નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ નિયમોના અનુસંધાને એપ્રિલ 2022થી જૂન 2023 સુધીમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા અસરકારક કામગીરી દ્વારા 444 કિલો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તે પેટે 1158 દુકાનદારો પાસેથી રૂ. 2,42,800 દંડની વસુલાત કરવામાં આવી હતી.વધુમાં તેમણે ઉમેર્યું કે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસો દ્વારા જાહેર જનતા અને વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે વર્કશોપના આયોજન થકિ પ્લાસ્ટિક થી શરીરને થતા નુકશાન અને પર્યાવરણમાં ફેલાતા પ્રદૂષણ અંગે માહિતી આપવામાં આવે છે. વેપારીઓને એમની દુકાને જઈને તેઓ પ્લાસ્ટિક બેગ ન ખરીદે તે માટે સમજૂતી આપી કાપડની બેગનો ઉપયોગ વધે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.