ઇડરમાં LCBએ રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ કરતા 2 શખ્સોને ઝડપી લીધા
ઇડરના વણઝારા વાસમાં રહેતા બે શખ્સો રહેણાંકના મકાનમાં વિદેશી દારૂના જથ્થાનું વેચાણ કરતા હોવાની બાતમી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મળી હતી. બાતમીના આધારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી વિદેશી દારૂ કિંમત રૂ.25,380ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ ઇડર પોલીસ સ્ટેશનમાં ચાર સામે ગુનો નોંધાયો છે, તેમજ ફરાર બે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે LCB ના PSI એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના માણસો પોલીસ પેટ્રોલીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી, કે ઇડરના વણઝારા વાસમાં રહેતા આકાશ મોતીજી વણઝારા તથા મુકેશ રાજુ વણઝારા રહેણાંકના મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે. જે બાતમીને આધારે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી દરમિયાન ઇગ્લીંશ દારૂની પેટીઓ તથા છુટી બોટલો મળી કુલ 152 નંગ વિદેશી દારૂ કિંમત રૂ.25,380નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
એલસીબીએ વધુ પુછપરછ કરતા આકાશ મોતીજી વણઝારાએ જણાવ્યુ હતુ કે, મુકેશ રાજુ વણઝારા, પ્રવિણજી હજારીજી વણઝારા તથા બાદરજી ફુલાજી વણઝારા છેલ્લા પાંચેક મહિનાથી દિવસના રૂ.૩૦૦ આપી આ વિદેશી દારૂનો છુટક વેચાણ કરવા બેસાડ્યો છે. જોકે આ વિદેશી દારૂનો જથ્થો પ્રવિણજી હજારીજી તથા બાદરજી ફુલાજી વણઝારા ક્યાંથી લાવે છે તે હું જાણતો નથી તેવુ જણાવ્યુ હતુ. જેને લઈને ઇડર પોલીસ સ્ટેશનમાં ચાર સામે ગુનો નોંધાયો હતો. પોલીસે આકાશ ઉર્ફે અકુજી મોતીજી વણઝારા તથા બાદરજી ફુલાજી વણઝારાની ધરપકડ કરી હતી. જયારે ફરાર મુકેશ રાજુ વણઝારા તેમજ પ્રવિણજી હજારીજી વણઝારાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.