ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફર તફરી આગને લઈને ફેકટરીમાં મોટું નુકશાન
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડી ચાર પર ટીંબા ગામ નજીક બપોરે ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફર તફરી મચી ગઈ હતી. જેને લઈને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. તલોદ ફાયર વિભાગને કોલ મળતા સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
આ અંગે તલોદ અને હિંમતનગર ફાયર વિભાગમાંથી મળેલી માહિતી અનુસાર અમદાવાદ ગાંભોઈ રોડ પર આવેલી તલોદના વાવડી ચાર રસ્તા પર ટીંબા ગામ નજીક આવેલી જલારામ ઇન્દ્રસ્ટ્રીઝ જ્યાં સનમાઈક બને છે તેમાં અચાનક કન્વેયર બેલ્ટમાં હીટ થવાને લઈને આગ લાગી હતી. જે સંય જતા ફેક્ટરીમાં પ્રસરી ગઈ હતી અને જોત જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.જે ને લઈને તલોદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ધટનાની જાણ થતા તલોદ ફાયર વિભાગની ટીમ સાથે ઘટના સ્થળે પહોચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને અંદાજીત એક કલાક દરમિયાન 2300 લીટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબુ લઈને બુઝાવી હતી. જોકે આગને લઈને હિંમતનગરથી એક ફાયર ફાયટર બોલાવવામાં આવ્યા હતા. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાન હાની થઇ નથી પરતું આગને લઈને ફેકટરીમાં મોટું નુકશાન જોવા મળ્યું હતું.