હિંમતનગર : ગઈકાલે લાગેલી આગ આજે કાબૂમાં આવી 1 લાખ 80 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
હિંમતનગર નગરપાલિકાની કાટવાડ રોડ પર આવેલ ડમ્પિંગ સાઇટ પર ફરી એકવાર આગ લાગી હતી. જેને લઈને ફાયર વિભાગ સ્થળ પર પહોંચી પાણીનો મારો શરૂ કર્યો હતો. તો ગઈકાલે સાંજે લાગેલી આગ બુઝાવવા 12 કલાક પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં 1 લાખ 80 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર બુધવારે સાંજે 4 વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગ પ્રસરી હતી. ભીષણ આગ લાગવાને લઈને હિંમતનગરના ફાયર વિભાગને જાણ થતાં ત્રણ ફાયર ફાઇટર અને 15 કર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો શરૂ કર્યો હતો. ગુરુવારે સવારે 4 કલાક સુધી 12,000 હજાર લીટરનું એક ફાયર તેવા 15 ફાયર ફાઈટર વડે 1 લાખ 80 હજાર લીટરનો પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
આ અંગે હિંમતનગર ફાયર વિભાગના ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર ડમ્પિંગ સાઇટ પર બુધવારે સાંજથી ગુરુવાર સવાર સુધી આગ બુઝાવવા માટે 1 લાખ 80 હજાર લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. સવારે ફરીથી આગ લાગી હતી અને ધુમાડો વધુ થયો હતો. જેને લઈને ફરીથી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે.