હિંમતનગરની તાલુકા પંચાયતનું રૂ 2865.46 લાખનું પુરાંતવાળું બજેટ પાંચ મિનિટમાં મંજૂર
હિંમતનગરમાં તાલુકા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં રૂ 2865.46 લાખની પુરાંતવાળું બજેટ 5 મિનિટમાં મંજૂર થયું હતું. જ્યારે કોંગ્રેસે વોક આઉટ કરીને બજેટની હોળી કરી હતી.હિંમતનગર તાલુકા પંચાયતના સભાખંડમાં મંગળવારના રોજ તાલુકા પંચાયત પ્રમુખ ભુમિકાબેન પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ દીલીપસિંહ મકવાણા, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન ભરતભાઈ જાદવ, તાલુકા વિકાસ અધિકારી પી.સી.સીસોદીયા, તાલુકા પંચાયતના સર્વે સદસ્યઓ તથા તાલુકા પંચાયતના કર્મચારીની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી.શરૂઆત વંદે માતરમ ગાન બાદ થઇ હતી. ત્યાર બાદ સભાની કામગીરી શરુ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરી સભામાંથી વોક આઉટ કરી ગયા હતા. ત્યાર બાદ હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2024-25નું વાર્ષિક અંદાજપત્ર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલે રજૂ કર્યું હતું. 5 મિનિટમાં બજેટ મંજૂર થઇ ગયું હતું. જ્યારે વોક આઉટ કરીને ગયેલા કોંગ્રેસના સભ્યોએ બજેટની હોળી કરી વિરોધ કર્યો હતો.
વર્ષ-2024-25 જેમાં રૂ.2947.53 (લાખ)ની ઉઘડતી સિલક સાથે રૂ.569.92(લાખ)ની સ. ભંડોળ સહિત રૂ. 18956.46 (લાખ)ની અપેક્ષિત આવક સાથે રૂ 2865.46 (લાખ)ની પુરાંતની જોગવાઈ કરવામાં આવી છે. આમ તાલુકા પંચાયતની સ્વભંડોળની આવકો મર્યાદિત હોવા છતાં સને 2024-25ના વર્ષનું અંદાજપત્ર તાલુકાની સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખી બજેટ લોકાભીમુખ અને વિકાસલક્ષી બનાવવા પ્રયત્ન કર્યો હતો.જેમાં પંચાયત અને વિકાસક્ષેત્રે રૂ 40.00(લાખ), શિક્ષણક્ષેત્ર રૂ 2.10(લાખ), આરોગ્ય અને કુટુંબ કલ્યાણક્ષેત્રે રૂ 1.20(લાખ), ખેતવાડીક્ષેત્રે રૂ 17.00(લાખ) પશુપાલન ક્ષેત્રે રૂ 1.00(લાખ), સમાજ કલ્યાણક્ષેત્રે રૂ 5.70 (લાખ), કુદરતી આફતો રૂ 0.50 (લાખ) નાની સિંચાઈક્ષેત્રે રૂ 10.00 (લાખ), જાહેર બાંધકામક્ષેત્રે રૂ 209.00 (લાખ) અને પ્રકિર્ણક્ષેત્ર રૂ 10.10(લાખ) આમ ઉપરોક્ત મુજબ આવકની મર્યાદામાં રહીને સ્વભંડોળ સદરે ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે.આ સામાન્ય સભામાં તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા નાણાકીય વર્ષ 2024-25નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને તમામ સદસ્યોએ વધાવી લઈ સર્વાનુમતે પસાર થયું હતું