હિંમતનગરના હસ્તિનાપુર તસ્કરોએ ત્રાટકીને ઘરમાં તિજોરી તોડી રૂ 1.70 લાખની મત્તાની ચોરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ત્રણ દિવસ પહેલાં હસ્તિનાપુર રેસીડેન્સીમાં તસ્કરોએ ત્રાટકીને ઘરમાં તિજોરી તોડી રૂ 1.70 લાખની મત્તાની ચોરી કરી લઇ જતા એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
હસ્તિનાપુર રેસીડેન્સીમાં મકાન નં. 130માં ચોરી થયા બાદ ચોરી કરવા આવેલા એક તસ્કર સીસીટીવીમાં કેદ થયો છે. તો એક તસ્કર સીસીટીવીમાં એક તરફથી સંતાતો આવે છે અને બારી તરફ જાય છે. થોડા સમય બાદ બારી તરફથી તસ્કર બીજી તરફ જાય છે.
હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર ગ્લોરીયસ સ્કુલની પાસે આવેલ હસ્તિનાપુર રેસીડેન્સીમાં મકાન નમ 130માં રહેતા રુચિર ગજાનંદભાઈ સુથારનું 29 સપ્ટેમ્બરને રવિવાર બહારગામ ગયા હતા. જેને લઈને તેમનું ઘર બંધ હતું દરમિયાન રાત્રીએ તસ્કરોએ ઘરના કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યા બાદ ઘરની લોખંડની બારીનો સળીયો કાપી અંદર પ્રવેશ કરીને બેડ રૂમની અંદર મુકેલ તિજોરીનું લોક તોડીને ગુપ્ત ખાનામાં મુકેલ દાગીના જેમાં સોનાની મગની માળા બુટ્ટી સાથેની રૂ. 1 લાખ,સોનાનું એક તોલાનું નાનું મંગળસૂત્ર રૂ 40 હજાર,સોનાની બુટ્ટી નંગ ત્રણ આશરે અડધા તોલાની રૂ. 20 હજાર, તથા ચાંદીનું 500 ગ્રામ વજનનું બિસ્કીટ રૂ. 10 હજારનું મળીને કૂલ રૂ 1,70,000 મત્તાની ચોરી કરી લઇ જતા હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે પણ ચોરીનો ગુના નોંધ્યા બાદ ડોગ સ્કોર્ડ, એફએસએલ સહિતની એજન્સીઓની મદદથી તપાસ હાથ ધરી છે.