સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા હડિયોલ ગામે રખડતી ગાયોને ઇડર પાંજરાપોળમાં મોકલી
સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા હડિયોલ ગામે કરેલો પ્રયાસ સ્થાનિકો માટે ગૌરવ સમાન બની રહ્યો છે. હિંમતનગરના હડિયોલ ગામમાં રખડતી ગાયોના ટોળા અને ગ્રામજનોને ઈજાઓ થવાને લઈને ગ્રામજનોએ છેલ્લા પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં આવેલી ગાયોની એક જ જગ્યા ઉપર રાખી ખોરાક પાણીની વ્યવસ્થા કરાયા બાદ 52 જેટલી ગાયોને ઈડર પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી છે.
ચોમાસું શરુ થતાની સાથે જ હવે ગામડાઓ કે શહેરોમાં રખડતી ગાયો રોડ પર આવી જાય છે અને અડીંગો જમાવી દે છે, તો રાત્રિના સમયે અંધારામાં તો ગાયો વાહન ચાલકોને દેખાતી પણ નહોતી. જેને લઈને અકસ્માત સર્જાય છે. ત્યારે રખડતા પશુઓના મામલે ગામમાં રખડતી ગાયોના ત્રાસે હિંમતનગરના હડીયોલ ગામના ગ્રામજનોએ સતત પાંચ દિવસ સુધી ફળીયે ફળીયે અને આસપાસના વિસ્તારમાં આવતી રખડતી ગાયોને પંચાયતના બાજુમાં આવેલી વાડીમાં એક જગ્યા ઉપર એકત્રિત કરી અને ત્યાં તેમના માટે ખોરાક પાણીની વ્યવસ્થા કરી હતી. લીલો ઘાસચારો સાથે પાણીની વ્યવસ્થા કરવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં લોક ભાગીદાર બન્યા હતા. પાંચ દિવસ બાદ ગાયનું કોઈ માલિક નહિ આવતા કાયમી ઉકેલ માટે સ્થાનિક લોકોએ અલગ અલગ પાંચ જેટલી ગાડીઓમાં ઘાસચારા અને પાણીની વ્યવસ્થા 52થી વધુ ગાયોને ભરીને ઈડર પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી. રખડતા પશુઓના પગલે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જતું હોય છે. તો બીજી તરફ વાહન ચાલકો સહિત નાના બાળકો માટે પણ આવા પશુઓ જોખમરૂપ બને છે. હડીયોલ ગામમાં સાત જણાને ઈજાઓ કરી હતી. જેને લઈને ગ્રામજનોએ તમામ ગાયોને ઇડર પાંજરા પોળમાં મોકલી આપી હતી.