અરવલ્લીમાં ખાબકેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા
અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. જિલ્લાના બાયડમાં 5 ઇંચ, જ્યારે ધનસુરામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. માલપુરમાં પણ 2.5 ઇંચ, મોડાસા-મેઘરજ અને ભિલોડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ ધનસુરા, બાયડ અને માલપુરના ખેતરો બેટમાં ફેરવાયા છે.ખેડૂતોએ કરેલું વાવેતર પપૈયા, મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. માલપુરના સજ્જનપુરા કંપામાં મગફળીના ખેતરો બેટમાં ફેરવાયા તેમજ પપૈયાના ખેતરમાં પણ પાણી ભરાયા છે. જેથી વધુ પડતા પાણીના કારણે પપૈયામાં ખેડૂતોને સંપૂર્ણ હાથ ધોવાનો વારો આવ્યો છે. બાયડ તાલુકાના અને ધનસુરા તાલુકાના ખેતરો પણ જાણે સરોવર હોય એવા દૃશ્યો સામે આવ્યા છે.