રમત ગમત સંકુલમાં ખેલ મહાકુંભ 2.0માં બે દિવસ જિલ્લા કક્ષાની કરાટે યોજાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ રમત ગમત સંકુલમાં ખેલ મહાકુંભ 2.0માં બે દિવસ જિલ્લા કક્ષાની કરાટે યોજાઈ હતી. જેમાં 518 સ્પર્ધકોએ ભાગ લીધો. ગઈકાલે સાંજે બે દિવસીય સ્પર્ધા પૂર્ણ થઇ હતી.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સાબરકાંઠા જિલ્લા રમત ગમત વિભાગ અને હિંમતનગરની હાઇસ્કૂલ-1ના સંયુક્ત ઉપક્રમે ખેલ મહાકુંભ 2.0માં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ રમત ગમત સંકુલ ખાતે શનિવાર અને રવિવાર એમ બે દિવસીય આયોજન થયું હતું. આ જિલ્લાની અલગ-અલગ સ્કૂલોમાંથી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.
ભાઈઓની કરાટે સ્પર્ધા 10મી ફેબ્રુઆરીને શનિવારે યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ વિભાગમાં અંડર-14માં 10 વજન કેટેગરી, અંડર-17માં 13 વજન કેટેગરી, ઓપન એજ ગ્રુપમાં 13 વજન કેટેગરી થઈને કુલ 313 ભાઈઓએ ભાગ લીધો હતો. સવારથી સાંજ આ સ્પર્ધાની મેચો યોજાઈ હતી. 11 ફેબ્રુઆરીને રવિવારે બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અંડર-14માં 11 વજન કેટેગરી, અંડર-17માં 11 વજન કેટેગરી, ઓપન એજ ગ્રુપમાં 11 વજન કેટેગરી થઈને કુલ 205 બહેનોએ ભાગ લીધો હતો. રવિવારે સાંજે જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા પૂર્ણ થઇ હતી.