ઉનાળાની ગરમીમાં પશુ-પક્ષીઓની સેવાકાર્ય માટે 1400 જેટલા માળા, પાણીના કુંડા રાહતદરે વિતરણ
હિંમતનગરમાં મહાવીરનગર ચાર રસ્તે સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા ઉનાળાની ગરમીમાં પશુ-પક્ષીઓની સેવાકાર્ય માટે 1400 જેટલા માળા, પાણીના કુંડા અને ચાટનું રાહતદરે વિતરણ કર્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમી શરુ થઇ ગઈ છે, રોડ પણ સુમસામ લાગતા હોય છે, ત્યારે માનવી તો ગમે ત્યાં આરામ કરે અને પાણી પણ પી તરસ છીપાવે છે પરંતુ પશુ પક્ષીઓ માટે શું? તેને લઈને હિંમતનગરમાં સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા રવિવારે સવારે હિંમતનગરમાં મહાવીરનગર ચાર રસ્તે રાહતદરે પક્ષીઓના માળા, પાણીના કુંડા અને પશુઓ માટે ચાટનું વિતરણ શરુ કરવામાં આવ્યું હતું. જે બપોરે બે વાગ્યા સુધીમાંણ પૂર્ણ થયું હતું. જેમાં 1000 નંગ પાણીના કુંડા, 300 પક્ષીના માળા અને 100 પશુ માટેના ચાટનું વિતરણ રાહતદરે કરવામાં આવ્યું હતું. તો આવતા રવિવારે પણ આ જ જગ્યાએ વિતરણ કરવામાં આવશે.
હિંમતનગરમાં 10 સભ્યો ધરાવતું સ્માઈલ ફાઉન્ડેશન વિવિધ સેવાકાર્યો કરી રહ્યું છે. જેમાં હિંમતનગરમાં દર રવિવારે જરૂરિયાતમંદને ભોજન, નિરાધાર અને વિધવા બહેનોને દર મહીને રાશન કીટ આપવી, ઉનાળામાં બાળકોને ચંપલ આપવા, ચોમાસામાં ગરીબોને તાડપત્રી આપવી, શિયાળામાં રસ્તા પર સુતા લોકોને ધાબળા આપવા, પ્રાથમિક શાળામાં સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીઓને ચોપડા આપવા જેવા સેવાકાર્યો કરે છે.