પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ ઉપર થયેલા અત્યાચારના બનાવોને વખોડી કાઢી
હિંમતનગરમાં ટાવર ચોકમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં થયેલ વ્યાપક હિંસાના મુખ્ય સૂત્રધાર અને જાતીય સતામણી તેમજ જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. જેના વિરોધમાં સાબરકાંઠા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર દ્વારા TMC નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં વ્યાપક હિંસાના મુખ્ય સૂત્રધાર અને જાતીય સતામણી તેમજ જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ નેતા શાહજહાં શેખની ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. શાહજહાં શેખ 5 જાન્યુઆરીથી ફરાર હતો. ધરપકડ બાદ તેને હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 10 દિવસના રિમાન્ડનો આદેશ આપ્યો છે.
શાહજહાં શેખ સામે સંદેશખાલીમાં 1300 કરતા વધુ ફરિયાદો મળી હતી. TMCના આ નેતાને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી સાથે હિંમતનગર ટાવર ચોકમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ ઉપર થયેલા અત્યાચારના બનાવોને વખોડી કાઢી આરોપીઓને સખતમાં સખત સજા કરવાની માગણી કરી હતી.