ભારતીય કિસાન સંઘએ વડાલી-અંબાજી હાઈવે ચક્કાજામ કર્યો અધિકારીઓએ સર્વેની બાંહેધરી આપતાં વિરોધ પ્રદર્શન બંધ
2 માર્ચના રોજ વડાલી તાલુકામાં કમોસમી પવન સાથે બરફના કરા સાથેનો વરસાદ પડ્યો હતો. જેના કારણે વડાલી તાલુકામાં ખેતીના પાકો ઘઉં, વરિયાળી, જીરુ, મકાઈ, તમાકુ, શાકભાજી તથા બાગાયત પાકોમાં પારાવાર નુકસાન થવાને લઈને કલેક્ટર ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. કોઈ પરિણામ નહીં આવતા આજે વડાલી બંધનું એલાન હતું. ખેડૂતો હાઇવે ચક્કાજામ પણ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, વડાલી તાલુકામાં માવઠાને લઈને ખેતી પાકોને નુકશાન થયું હતું. ત્યાર બાદ કિસાન સંઘ અને ખેડૂતોએ નુક્શાનીનો સર્વે માટે લેખિત રજૂઆત કલેક્ટર, મામલતદાર, સ્થાનિક ધારાસભ્યને કરી હતી, પરંતુ કોઈ પરિણામ નહીં આવતા 15 માર્ચના રોજ વડાલી બંધનું એલાન કર્યું હતું. જેને લઈને આજે ખેડૂતો અને કિસાન સંઘ વડાલી માર્કેટયાર્ડમાં એકઠા થયા હતા. ત્યાર બાદ ખેડૂતો રેલી સ્વરૂપે વડાલી નગર પાલિકાએ પહોંચ્યા હતા. ત્યાર બાદ પરત વડાલી ત્રણ રસ્તાથી મામલતદાર કચેરી પહોંચીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતો પરત રેલી પોલીસ સ્ટેશન આગળ પહોંચીને વડાલીથી અંબાજી રોડ બ્લોક કર્યો હતો. વડાલી બંધ રહ્યું હતું. ખેડૂતોએ પંચાયત કચેરી આગળ ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજીતરફ અધિકારીઓ જોડે સર્વે કરવાની બાંહેધરી આપવામાં આપતાં ખેડૂતો વિરોધ પ્રદર્શન બંધ કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો.