સાબરકાંઠામાં વેકેશન બાદ શાળાઓ શરૂ થતાં સ્કૂલ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
રાજકોટમાં TRP ગેમઝોન બાદ તંત્રએ તમામ ક્ષેત્રમાં નિયમોનું પાલન માટે કડકાઈ હાથ ધરી છે. ત્યારે હિંમતનગરમાં જિલ્લા કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામાંને લઈને આજે સવારે RTO દ્વારા શાળાના વાહનોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી. હવે વિદ્યાર્થીઓને વહન કરી સ્કૂલમાં લઇ જતાં વાહનોમાં નિયમનું પાલન ફરજિયાત થયું કારણ કે કોઈ દુર્ઘટનાઓ સર્જાય નહીં.
સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડેલા જાહેરનામાંને લઈને વિદ્યાર્થીઓને વહન કરતા જેવા કે રીક્ષા, બસ, ઇકો સહિતના વાહનોમાં ફાયર સેફટી સહિતની તમામ નિયમોનું પાલન જરૂરી બની ગયું છે.
વેકેશન બાદ શાળાઓ શરૂ થતાં સ્કૂલના વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે ટીમો 70 વાહનો ચેક કરવામાં આવ્યા હતા. 28 વાહનોમાં ખામીઓ જણાતા મેમા આપવામાં આવ્યા હતા. બે બસ અને બે ઇકોને ડિટેન કરવામાં આવી છે. તો ટ્રાફિક પોલીસ દ્વારા પણ 2 ઇકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચેકીંગ દરમિયાન વાહનોમાં પરમીટ, વીમો, ટેક્ષ, ફિટનેસ, વધુ સીટો, ફાયર સેફટી સહિતની ખામીઓ જોવા મળી હતી.
સુરક્ષિત સવારી અને માસૂમોની સાચવણી માટે બાળકોની સલામતી માટેના નિયમો જેમાં વાહનમાં પરમીટ કરતા વધુ બાળકો ન બેસાડવા, વાહનોમાં ફર્સ્ટ એડ કીટ તથા ISI પ્રમાણિત ફાયર સેફ્ટીના સાધનો હોવા જરૂરી, વાહનોની ગેસ કીટ RTO માન્ય અને તેનું નિયમોનુસાર હાઇડ્રો ટેસ્ટ કરાવવુ જરૂરી, વાહનમાં પીળા નંબરની પ્લેટ જરૂરી, વધુ ગતિથી વાહન ચાલતું હોય તેમ જણાય તો સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરવી સહિતના નિયમોનું પાલન જરૂરી છે.