દેરોલ પાસે જીપ રોડ સાઇડમાં ઉતરી જતાં મહિલાનું મોત, 12 જણાં ઘાયલ

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામના નાઈ સમાજના લોકો કલોલ ખાતે સમૂહ લગ્નમાં જવા નીકળ્યા હતા તે દરમિયાન હિંમતનગર વિજાપુર રોડ પર દેરોલની સીમમાં જીપ રોડની સાઇડમાં ઉતરી જતાં દીવાલ સાથે અથડાઈ હતી. સવારે આઠેક વાગે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 54 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 12 વ્યક્તિઓને પણ ઇજાઓ થઇ હતી.

લક્ષ્મીપુરાના શાંતિભાઈ કાલીદાસભાઈ નાયી અને સમાજના અન્ય 12 લોકો કલોલ ખાતે વાળંદ સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા સવારે 6:30 વાગે ક્રુઝર જીપ નંબર જી.જે-09-બીએફ-5658 માં નીકળ્યા હતા અને વીરપુર બાયપાસ પર થઈ હિંમતનગર વિજાપુર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન દેરોલની સીમમાં મણિરત્ન પેટ્રોલ પંપ સામે અચાનક જીપ રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી અને દીવાલ સાથે ભટકાઇ હતી જેને પગલે જીપમાં બેઠેલા તમામને ઇજાઓ થઇ હતી.

મુસાફરોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના ખેતરો અને પેટ્રોલપંપ પરથી તથા રોડ ઉપર પસાર થતા વાહનો ઉભા રાખી લોકો દોડી આવ્યા હતા અને ગાડીમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢ્યા હતા જેમાં તારાબેન પ્રહલાદભાઈ શિવાભાઈ નાયી અને મંજુલાબેન નારણભાઇ નાયીને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી તે પૈકી તારાબેન પ્રહલાદભાઈ શિવભાઈ નાયી(54)નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ચાલક સહિત અન્ય મુસાફરોને 108 માં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. શાંતિભાઈ કાલિદાસ નાયીની ફરિયાદને આધારે રૂરલ પોલીસે ચાલક દિલીપભાઈ મણીભાઈ વાણંદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.