ઈડરના વેરાબર ડુંગર પર દીપડો હોવાનો વીડિઓ વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું
ઈડરના વેરાબર ગામમાં સાંઈ મંદિરના પાછળના ભાગે આવેલા જંગલ વિસ્તારના ડુંગર પર મંગળવારે વન્ય પ્રાણી દેખાયું હતું અને તેનો વીડિઓ ગ્રામજને ઉતાર્યો હતો. તે વીડિઓમાં વાઘ દેખાતો હોવાના સમાચાર સાથે વાયરલ થયો હતો. જેને લઈને આજબાજુના ગામોમાં વીડિઓ વાયરલ થતા લોકો જોવા માટે દોડી આવ્યા હતા. બીજી તરફ પશુ ચરાવતા પશુ પાલકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. બીજી તરફ ગામના સરપંચના ઘરથી માત્ર આ જગ્યા 150થી 200 ફૂટ દુર આવેલી છે અને ગામના વિજય પટેલે આ વીડિઓ ઉતાર્યો હોવાની વાત સરપંચ પ્રકાશ પટેલે જણાવી હતી. જે વીડિઓ વાઘ હોવાને લઈને વાયરલ થયો હતો. તે વીડિઓ ઇડર વન વિભાગના અધિકારીને તપાસ માટે મોકલી આપ્યો હતો.
વાઘ હોવાના વાયરલ વીડિઓ અંગે ઇડર વન વિભાગના જણાવ્યું હતું કે, હાલમાં લોકો કોઈ પણ પ્રાણી દેખાય ત્યારે તેનો વીડિઓ એડિટ કરીને વાયરલ કરે છે. ત્યારે વેરાબરના ડુંગર પર જંગલ વિસ્તારમાં દીપડો રહે છે તે દેખાયો હશે. વીડિઓમાં દેખાતા વન્ય પ્રાણીની ચાલ અને કલર પરથી દીપડો છે. તો વાઘ સાબરકાંઠામાં ક્યાંય નથી, પરંતુ દીપડા સહિતના વન્ય પ્રાણીઓ સાબરકાંઠાના જંગલ વિસ્તારમાં અંદાજીત 20થી 25 દીપડાઓ છે. ઈડરના વેરાબર પાસેના જંગલ વિસ્તારમાં ચાર જેટલા દીપડા હોવાનું જણાવ્યું હતું.