હિંમતનગરના ટાવર ચોકના બગીચામાં નગરપાલિકા ટાંકી તૈયાર થશે
હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા બગીચામાં અગામી 11 મહિનામાં પીવાના પાણીની 10 લાખ લીટરની પાણીની ઓવરહેડ ટાંકીની કામગીરી શરુ કરવામાં આવી છે. જેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા બગીચામાં 50 વર્ષ જૂની જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી ત્રણ મહિના પહેલાં તોડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ તેની નજીક નવીન ઓવરહેડ પાણીની ટાંકી બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અગામી 11 મહિનામાં 10 લાખ લીટરની 18 મીટર ઉંચી પાણીની ઓવરહેડ પાણીની ટાંકી રૂ 1 કરોડના ખર્ચે બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પાણીની ટાંકીના પાયાની કામગીરી ચાલી રહી છે.
આ અંગે હિંમતનગર નગર પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, જર્જરિત પાણીની ટાંકી તોડી પાડ્યા બાદ નવીન પાણીની ટાંકી બનાવવાની શરુઆત કરવામાં આવી છે. આ પાણીની ટાંકી 11 મહિનામાં તૈયાર થશે. જેને લઈને 122થી વધુ વિસ્તાર જેમાં ગીરધરનગર, પોલોગ્રાઉન્ડ, શક્તિનગર સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી આપવામાં આવશે. આ નવીન બનતી ઓવરહેડ પાણીની ટાંકીની બાજુમાં GUDC દ્વારા બીજી પાણીની ઓવરહેડ ટાંકી અગામી દિવસોમાં બનશે જેની કામગીરી હાલમાં પ્રગતિમાં છે.
Tags Gujarat sabarkantha