સાબરકાંઠામાં LCBએ ગઢોડા નજીકથી પોશડોડાનો રૂ.8.21 લાખનો જથ્થો ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઢોડા ગામ નજીક એક સફેદ કલરની કારમાંથી પોશડોડાનો જથ્થો કિંમત રૂપિયા 8,21,100નો ઝડપી લઇ એક બાળ કિશોરની અટકાયત કરી હતી. જોકે પોલીસ પુછપરછ દરમિયાન મધ્યપ્રદેશના નિમચથી પોશડોડાનો જથ્થો ભરી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર ગાડીના ચાલક અને ઝડપાયેલા બાળ આરોપી સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી કુલ રૂપિયા 16,31,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગુરૂવારે રાત્રિના સુમારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાબરડેરીથી તલોદ રોડ પર જતા ગઢોડા ગામની સીમમાં પેટ્રોલિંગ કરી રહી. તે દરમિયાન ઓરેકલ સિરામીકની ફેક્ટરી નજીક પહોંચતા સામેથી એક સફેદ કલરની ગાડી આવતી હતી. જે ગાડીના ચાલકે પોલીસની ગાડીને જોઇ ગાડી પૂરઝડપે હંકારી ઓરેકલ સિરામીક ફેક્ટરીની સામેની બાજુમાં જતા સિંગલપટ્ટી રોડ પર ભગાડી હતી. જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કર્યો હતો. જોકે સાગર સોસાયટીમાં જતા રસ્તો પુરો થઇ જતો હોવાથી ગાડીને ઉભી કરી દઇ ગાડીનો ચાલક તથા તેની સાથેનો બીજો શખ્સ વાવેતર કરેલા ખેતરોમાં થઇને ભાગવા લાગ્યા હતા. જેનો પીછો કરી એક બાળ કિશોરને ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે ગાડીનો ચાલક નાસી ગયો હતો. પોલીસે બાળ કિશોરની પુછપરછ કરતા ગાડીમાં પોશડોડાનો જથ્થો મધ્યપ્રદેશના નિમચથી ભરીને લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરી હતી તો તેમાં કાળા કલરના પ્લાસ્ટીકના કોથળા નંગ 18માં પોશડોડા 273.700 કિલોગ્રામ કિંમત રૂપિયા 8,21,100નો મળી આવ્યો હતો.

ગાડી ચાલકનું નામ વિક્રમ જાટ હોવાનું બાળ કિશોર આરોપીએ જણાવતા પોલીસે પોશડોડાનો જથ્થો, મોબાઇલ ફોન તેમજ કાર મળી કુલ 16,31,450નો મુદ્દમાલ જપ્ત કરી હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી નાસી ગયેલ કારના ચાલક વિક્રમ જાટ (રહે.નોખડા, જિ.બાડમેર, રાજસ્થાન) તથા બાળ કિશોર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોશડોડાનો જથ્થો ઝડપી કારમાં તપાસ કરતા અલગ અલગ કાર નંબરવાળી ચાર નંબર પ્લેટ મળી આવી હતી. નાર્કોટીક ડ્રગ્સની હેરાફેરીમાં બાળ કિશોરનો ઉપયોગ કરી કારનો ચાલક મધ્યપ્રદેશના નિમજથી આ જથ્થો ગુજરાતમાં લાવી રહ્યો હતો. ત્યારે પોલીસ પણ પોશડોડાની હેરાફેરી કરનાર શખ્સોની મોડસઓપ્રેન્ડીની જાણકારી મેળવી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.