વિદ્યાર્થીઓનો બાળમેળો યોજાયો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી વાનગીઓ બનાવી અને રજૂ કરી
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એસ.કે.પટેલ પ્રાથમિક વિદ્યાલય અને હિંમત હાઇસ્કૂલનો બાળમેળો યોજાઈ ગયો. જેમાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લઈને 20 સ્ટોલ ઉભા કર્યા હતા. સ્ટોલ પર ભાગવદગીતાના 18 અધ્યાય, 10 અવતાર અને ચાર વેદોના નામ જોવા મળ્યા હતા. હાઇસ્કૂલના મેદાનમાં ગુરુવારે 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓનો બાળમેળો યોજાયો હતો. બાળમેળાના આયોજનમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ 20 જેટલા સ્ટોલ ઉપર પોતાની જુદી જુદી વાનગીઓ બનાવી અને રજૂ કરી હતી. સાથે તમામ સ્ટોલ ઉપર ભગવતગીતાના 18 અધ્યાયના નામ, 10 અવતારોના નામ અને ચાર વેદોના નામથી ઓળખ આપીને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવ્યો હતો.
અમદાવાદની એમબીબીએસ એબ્રોડ અને ગુજરાત સિવાયના રાજ્યોમાં જે વિદ્યાર્થીઓએ MBBS કરવું હોય તેના માટે મદદ કરનારી સંસ્થાનો પણ એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન ચિત્ર સ્પર્ધાઓમાં અલગ અલગ થીમ ઉપર જે ચિત્રો બનાવેલા ચિત્રને એક સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. શાળામાં ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ તથા રાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓના બેનર પણ બનાવીને મૂકવામાં આવ્યા હતા. બાળમેળામાં નાના બાળકો માટે જમ્પિંગ ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જેનો બાળકોએ આનંદ પણ ઉઠાવ્યો હતો. બાળમેળામાં પ્રત્યેક બાળકના ચહેરા ઉપર એક અલગ પ્રકારનો આનંદ જોવા મળતો હતો.