હિંમતનગર જૂની સિવિલમાં ઓક્સિજન સાથે 100 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાશે
સાબરકાંઠા જિલ્લામાં કોરોના કેસ દરરોજ નવા પિક ઉપર જઈ રહ્યા છે. હિંમતનગર શહેર અને જિલ્લામાં આવેલ સરકારી અને ખાનગી હોસ્પિટલ ભરાઈ રહી છે.પ્રતિદિન સોની સરેરાશથી નવા કેસો આવી રહ્યા છે.અને ચિંતાજનક રીતે દર્દીઓના મોત નીપજી રહ્યા છે ત્યારે દર્દીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ હિંમતનગર સીવીલ હોસ્પિટલની મુલાકાત લઈ કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ.સિવિલ સર્જન આરએમઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેડ વધારવાના મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.
સિવિલ હોસ્પિટલમાં હાલમાં 470 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. એકપણ બેડ ખાલી નથી અને નવા કેસ આવી રહ્યા છે ત્યારે શહેરની જૂની સિવિલમાં 100 બેડ ઓકસીજન સાથેની સુવિધા સાથે તાકીદના ધોરણે શરૂ કરવા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ ઉપરાંત સમરસ હોસ્ટેલમાં જે દર્દીઓને ઑક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓ માટે 200 બેડની સુવિધા ધરાવતા હોમ આઈસોલેશન વોર્ડ કાર્યરત કરવા પણ નિર્ણય લેવા્યો હતો. તેઓએ વિડિયો કોલ કરી દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.