હિંમતનગર સ્પેશિયલ કોર્ટે રાજસ્થાની શખ્સને સજા ફટકારી
હિંમતનગર તાલુકામાં ખેત મજૂરી કરતાં પરિવારની 16 વર્ષીય દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ તેની પર દુષ્કર્મ આચરવાના કિસ્સામાં સ્પેશિયલ કોર્ટે રાજસ્થાનના શખ્સને 10 વર્ષની સજા અને વિકટીમ કમ્પનસેશન યોજના અંતર્ગત ભોગ બનનારને 6 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો.
સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે હિંમતનગર તાલુકામાં ખેત મજૂરી કરતાં પરિવારની 16 વર્ષ અને 7 માસની દીકરીને તા.25-01-16 ના રોજ રાત્રે દોઢથી પોણા બે વાગ્યા દરમિયાન લગ્ન કરવાની લાલચ આપીને ખેરવાડા તાલુકાના શેરવાડાનો ગોવિંદ ઉર્ફે બોળો લક્ષ્મણ મંગલા વરસાત ભગાડીને તેના વતનમાં લઈ ગયો હતો. જેને પગલે સગીરાના પિતાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દીકરીનું અપહરણ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 363, 366, 376 અને પોક્સો એક્ટની કલમ 5(એલ) 6,11(4), 12 મુજબ ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ ચાલુ કરી હતી. જે નાસતો ફરતો હોય વર્ષ 2021માં પકડાયો હતો.
આ અંગેનો કેસ એડિશનલ સેશન્સ જજ (સ્પેશિયલ કોર્ટ)માં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ હિરેન ત્રિવેદીએ રજૂ કરેલ પુરાવા દલીલો ઉચ્ચ અદાલતના સૈદ્ધાંતિક ચુકાદા વગેરે રજૂ કરતાં એડિશનલ સેશન્સ જજ ડી.વી.શાહે ગોવિંદ વરસાતને અલગ અલગ કલમોમાં તકસીરવાન ઠરાવી આઇપીસી 376 અને કલમ 5(એલ) મુજબના ગુનામાં સંયુક્ત રીતે મહત્તમ 10 વર્ષની કેદની સજા અને રૂ.10,000 દંડ ભરવા સહિત ભોગ બનનારને વિક્ટીમ કમ્પનસેશન સ્કીમ અંતર્ગત ₹6લાખ વળતર ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસીઝ ઓથોરિટી હિંમતનગરમાંથી ચૂકવવા આદેશ કર્યો હતો.