પોશીનાના દંત્રાલની જાન પર 3 રાઉન્ડ ફાયરિંગ, 8થી વધુ ઘાયલ

સાબરકાંઠા
સાબરકાંઠા

પોશીનાના દંત્રાલની જાન તા.26-05-22 નારોજ બપોરે રાજસ્થાનમાં બોર્ડર પર આવેલ વેરાકાતરા ગામમાં ગયા બાદ લગ્નવિધિ પૂર્ણ થતાં પરત આવવા દરમિયાન ગુંદીખાણા ગામની હદમાં વેરાકાતરા ગામના 30 થી 40 શખ્સોના ટોળાએ બંદૂકો અને અન્ય હથિયાર લઇ આવી જાનને ઘેરી લઇ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત પડતાં બંને સમાજના અગ્રણીઓ હરકતમાં આવ્યા છે. જેમાં 8 થી વધુ લોકો ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.

સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દંત્રાલના કાળીદેવી ફળોના પ્રફુલભાઇ ગીરીશભાઇ ડાભીની જાન તા.26-05-22 ના રોજ બપોરે રાજસ્થાનમાં બોર્ડર પર આવેલ વેરાકાતરામાં ગઇ હતી અને જગદીશભાઇ સાયબાભાઇ ખૈરની દીકરી મીનાબેન સાથે સમાજના રીતરીવાજ મુજબ લગ્નવિધિ પૂરી થયા બાદ જાનૈયા વરઘોડામાં નાચતા કૂદતા ઉતારા તરફ આવી રહ્યા હતા. રમેશભાઇ સોમાભાઇ ડાભીના જણાવ્યાનુસાર ગુદીખાણા ગામની સીમમાં 30 થી 40 માણસોના ટોળાએ બંદૂકો અને અન્ય હથિયાર લઇ આવી રસ્તો રોકી માર મારવો શરૂ કર્યો હતો અને મહિલા, છોકરીઓના દાગીનાની લૂંટ ચલાવી હતી.

આ દરમિયાન વેરાકાતરા ગામના અગ્રેશભાઇ રેવાભાઇ ખેરે બંદૂકથી ત્રણ વખત ફાયરિંગ કરતાં જાનૈયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. તેમણે વધુમાં જણાવ્યું કે કાન્તુભાઇ લક્ષ્મણભાઇને પથ્થર અને ફાયરિંગથી ઇજા થવા સહિત વિપુલભાઇ નારણભાઇ ડાભીને પથ્થરો મારતાં જમણા પગે ફ્રેક્ચર, કેશુભાઇ ડાભીને પથ્થરથી માથામાં ગંભીર ઇજા, દીલીપભાઇ ગલબાભાઇ ડાભી ગજેન્દ્રભાઇ શામળભાઇ ડાભી, ભવાનસિંહ ધર્માભાઇ ડાભીને માથામાં અને શરીરે પથ્થરથી ઇજાઓ થઇ હતી.

જ્યારે સુરેખાબેન ગલબાભાઇ ડાભીને માર મારી હાથનો બાજુ બંધ, ગળામાંથી ચેન, બુટ્ટી અને મંગુબેન ગલબાભાઇ ડાભીને બંદૂકના સળિયા મારી હાથના બાજુબંધ અને ચેનની લૂંટ ચલાવી હતી. તમામને પોશીના સીએચસીમાં સારવાર આપ્યા બાદ બે યુવકને હિંમતનગર સિવિલમાં રિફર કરાયા હતા.જાન ઉપર હુમલો કરી મહિલાઓ અને યુવતીઓને લૂંટી લેવા સહિત જાનૈયાઓને ઘેરીને માર મારતાં ચકચાર મચી હતી.જોકે, હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી. બંને પક્ષના અગ્રણીઓ સમાધાન માટે હરકતમાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.