નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે કાર ટકરાયા બાદ પલટી મારી ચાલક સહીત 2ને ઈજા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી અમદાવાદ નેશનલ હાઈવે 48 પર રસુલપુર પાસે સવારે કાર પલટી જતા ચાલક સહીત બે ને ઈજાઓ થઇ હતી. જોકે આજુબાજુમાંથી લોકો દોડી આવી બચાવ કાર્ય કર્યું હતું અને પ્રાંતિજ પોલીસ અને 108ને જાણ કરી હતી.
આ અંગેની વિગતે એવી છે કે, હિંમતનગરથી અમદાવાદ તરફ બુધવારે સવારે ક્રેટા કાર GJ-01-WL-0413 નંબરની જઈ રહી હતી. દરમિયાન પ્રાંતિજના રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પરના ડિવાઈડર સાથે કાર ટકરાયા બાદ પલટી ખાઈને રોડ પર ઉંધી થઇ ગઈ હતી. અકસ્માતને લઈને રોડ આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરીને કાર ચાલક અને સાથીદારને બહાર કાઢવામાં આવ્યો હતો. તો બંને જણાને શરીરે ઈજાઓ થઇ હતી. જેને લઈને 108 અને પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો ગમખ્વાર અકસ્માતમાં સદનસીબે ચાલક સહીત બે જણાનો બચાવ થયો હતો.