સાબરકાંઠા : કલરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા રૂ.55 લાખનું નુકશાન
સાબરકાંઠા જિલ્લાના ઈડરના તાલુકાના જાદર સહકારી જીન ખાતે આવેલ હિંદુસ્તાન કલર ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગતા રૂ. 55 લાખનું નુકશાન થવા પામ્યું હતું. જેને લઈને જાદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ છે.
ઈડર તાલુકાના જાદર ગામે આવેલ સહકારી જીનમાં મોસીન ઈગબાલ દેત્રોલીયા માલિકનું હિંદુસ્તાન કંપનીનું કલરનું ગોડાઉન આવેલ છે. જે કલર ગોડાઉન બુધવારે સવારે 6 કલાકથી 12 કલાક સુધી કામ ચાલુ હોય છે. જ્યારે બપોરે આશરે 12 વાગે ગોડાઉન બંધ થયા પછી બીજા દિવસ સવારે કામ ચાલુ થતું હોય છે. આ કલર ગોડાઉનમાં કલરની બોટલો કેમિકલના બેરલ સાથે આશરે લાખો રૂપિયાનો માલ હતો. ત્યારે કલર ગોડાઉન બંધ થયા પછી આશરે બપોરે 1 વાગ્યાના સમયે ગોડાઉનના વોચમેન દ્વારા ફોન મારફતે ગોડાઉનના માલિકને જાણ કરાઈ કે ગોડાઉનમાં આગ લાગી છે.
ત્યારબાદ જાદર પોલીસ અને ઈડર ફાયર વિભાગની ટીમને જાણ કરાતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની બે ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં રૂ. 55 લાખનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. બનાવ અંગે જાદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઇ છે.