ફિલિપાઈન્સમાં ફસાયેલા સાબરકાંઠાના ૧૫ વિદ્યાર્થીઓને પરત લાવવા પરિજનોની રજૂઆત
હિંમતનગર : ગુજરાતમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સાબરકાંઠાના ફિલિપાઈન્સમાં એમબીબીએસમાં અભ્યાસ કરનારા ૧૫ વિદ્યાર્થીઓના પરિવારજનોએ આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાના સંતાનોને પરત લાવવા રજૂઆત કરી છે. તેમજ ફિલિપાઈન્સના વિદ્યાર્થીઓએ પણ વીડિયો મારફતે સ્વદેશ આવવા રજૂઆત કરી છે.
ફિલિપાઈન્સના મનિલામાં ૧૫ વિદ્યાર્થીઓ ફસાયા ફિલિપાઈન્સના મનિલા નજીક આવેલા લાસપીલાસ શહેરમાં સાબરકાંઠાના ૧૫ વિદ્યાર્થીઓ સ્વદેશ પરત આવવા માટે છેલ્લા કેટલાક સમયથી રાહ જોઇને બેઠા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા ફિલિપાઈન્સના પ્લેનને ભારતમાં ઉતરાણની મંજૂરી ન અપાતા તમામ વિદ્યાર્થીઓને ટિકિટ કેન્સલ કરવી પડી છે. સાથે જ વિદ્યાર્થીઓની હાલના તબક્કે જમવાની સમસ્યા ઉભી થઇ છે. હાલ ફિલિપાઈન્સમાં ફૂડના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય વસ્તુઓના ભાવ ચારથી પાંચ ગણા થઇ ચૂક્યા છે. દિવસ દરમિયાન કર્ફ્યૂ જેવો માહોલ હોય છે જ્યારે સાંજે કર્ફ્યૂમાં ઢિલ અપાતા શોપિંગ મોલમાં લાંબી કતારો જામે છે. ફિલિપાઈન્સમાં જરૂરી ચીજવસ્તુઓ ખૂટી પડવાના પગલે વિદ્યાર્થીઓને નાછૂટકે બહાર જવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ફિલિપાઈન્સમાં ફસાયેલા વિદ્યાર્થીઓને કોઇપણ ભોગે વતન પરત લાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે.
Tags himatnagar sabarkantha