ઇડરમાં GEB વીજપોલના રીપેરીંગ વખતે એપ્રેન્ટીસનું હેવી કરંટથી મોત
ઇડર તાલુકાના ગામે વીજલાઇન પર કામ કરતા એપ્રેન્ટીસ યુવકને કરંટ લાગતા તેનુ મોત થયુ છે. ઘટનાને લઇ સ્થાનિકો અને પરિવારજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, વીજ કર્મચારીઓની બેદરકારીને કારણે યુવકનો ભોગ લેવાયો છે. ગામની વીજ લાઇન પર પાવર ચાલુ હોવાની તપાસ કર્યા વગર અધિકારીઓએ એપ્રેન્ટીસ યુવકને હેવી લાઇન પર ચડાવ્યો હોવાથી દુર્ઘટના બની હોવાનું જણાવ્યુ હતુ. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે.
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામે વીજ લાઇન પર મેન્ટેનન્સનું કામ ચાલુ હતુ. દેશોતર ફીડરમાં કામ કરતા એપ્રેન્ટીસ યુવકને રતનપુર નજીકથી પસાર થતી હેવી વીજલાઇનનું મેન્ટેનન્સ કરવા કહ્યુ હતુ. વીજ કંપનીના અધિકારીઓએ ૧૧,૦૦૦ વોટ પાવર ધરાવતી લાઇન ઉપર યુવકને વીજપોલ ઉપર મોકલ્યાની ગણતરીની મીનીટોમાં ભારે કરંટ આવ્યો હતો. જેથી એપ્રેન્ટીસ યુવક વીજપોલ ઉપરથી નીચે પટકાયા બાદ ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નિપજ્યુ હતુ.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ૨૦ વર્ષીય યુવક અગાઉ છ મહિના પહેલા જ દેશોતર ફીડરમાં એપ્રેન્ટીસ લાઇનમેન તરીકે જોડાયો હતો. જોકે આજે યુવક અને વીજ કર્મચારીઓની ટીમ રતનપુર ગામે વીજ લાઇન પર મેન્ટેનન્સનું કામ કરવા પહોંચી ત્યારે ગંભીર દુર્ઘટના બની છે. ઘટનાને પગલે યુવકના પરીજનો ઉપર આભ ફાટી પડ્યુ હોઇ મામલો અત્યંત સંવેદનશીલ બની ગયો છે. આ દરમ્યાન જીઇબીના અધિકારીઓ સહિત ઇડર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.