ઇડરમાં પ્રેમી-પંખીડાની ગળેફાંસો ખાધેલી સ્થિતિમાં લાશ મળતાં ચકચાર
ઇડર તાલુકાના ગામે પ્રેમીપંખીડાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બાઇક પર સવાર થઇ આશા-અરમાનો વચ્ચે ભવિષ્ય ધુંધળું લાગતાં જંગલ વિસ્તારમાં ગયા હતા. આ પછી પરિણિત યુવક-યુવતિએ જીવતા ભેગા નહિ થઇ શકીએ તેવું સ્વિકારી ગળેફાંસો ખાધો હોવાની વાત સામે આવી છે. આ સાથે કોઇએ બંનેને ભગાડી હત્યા નિપજાવી કારસો પાર પાડ્યો હોવાની પણ એક આશંકા ઉભી થઇ છે. ઘટનાને પગલે પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ચોડપ ગામ નજીક ઝાડી-ઝાંખરામાં ઝાડની ડાળી પર બે લાશ લટકતી મળી આવી છે. યુવક-યુવતિએ ગળેફાંસો ખાધો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતાં પ્રેમીપંખીડાએ જીવન ટુંકાવ્યુ હોવાની વાત આવી છે. ડભોડા ગામના વિષ્ણુજી ઠાકોર અને ગામની જ યુવતીએ બાઇક પર સવાર થઇ ઝાડી-ઝાંખરામાં ગળેફાંસો ખાધો હોવાની સ્થિતિ સામે આવી છે. બંને ડભોડા ગામના એક જ સમાજના હોઇ અને બંનેના અલગ-અલગ જગ્યાએ લગ્ન થયેલા છે. જેમાં પ્રેમના આવેગમાં આવેશ ઉપર કાબુ ગુમાવી જીવન સમાપ્ત કર્યુ હોવાનું મનાય છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવક-યુવતિની લાશ મળી આવ્યા પછી સ્થાનિક લોકોના ટોળેટોળાં પહોંચ્યા હતા. આ દરમ્યાન કોઇએ મૃતકોની લાશના ફોટા સાથે વિડીયો પણ ઉતારી લીધો છે. જેમાં બંને પ્રેમીપંખીડાની હત્યા કરી પતાવી દીધા હોવાના શબ્દો કોઇ ઉચ્ચારી રહ્યુ છે. જેનાથી મોતનું કારણ અને તેનું રહસ્ય અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે. ઘટનાને પગલે એકસાથે ચાર પરિવાર ઉપર આભ ફાટી પડ્યાની સ્થિતિ બની છે.