આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી: પ્રાંતિજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી પ્રાંતિજની ચિત્રીણી કોલજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વ્હાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. દર વર્ષે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા દિન નિમિત્તે મહિલાઓને માન સન્માન સાથે મહિલાઓની શક્તિને ઉજાગર કરી તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષ અલગ અલગ થીમ આધારીત આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024 માટે 8મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ Invest in Women: Accelerate Progress સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મહિલાઓએ સામાજિક અને આર્થિક વિકાસમાં પુરૂષો સાથે કદમથી કદમ મિલાવ્યા છે. ભારતના વિકાસમાં મહિલાઓની સરખી ભાગીદારી છે. મહિલાઓ પોતાના કાર્ય પ્રત્યે ખૂબ જ સભાન અને પ્રામાણિકતાથી કાર્ય કરે છે. આ પ્રસંગે તેઓએ ઘર સંભાળતી મહિલાઓના કાર્યને પણ બીરદાવ્યું હતું. બાળકથી લઈ ઘરના તમામ સભ્યોની નાની જરૂરીયાતોનુ ધ્યાન રાખતી ગૃહિણી હોય કે ઘરની બહાર નીકળી આર્થિક જવાબદારી નીભાવતી મહિલાઓ હોય તેમના કાર્યનું મહત્વ સમાજ માટે ખુબ જ મહત્વનુ છે.
આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લાની તેજસ્વી દિકારીઓને સન્માનિત કરવામાં આવી હતી. મહિલાઓને 181 અભયમ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ સમિતિના પૂર્વ ચેરમેન રેખાબા ઝાલા, પ્રાંતિજ નગરપાલિકા પૂવ પ્રમુખ ગીતાબેન, અગ્રણી લીલાબેન વ્યાસ, અગ્રણી જીજ્ઞાબેન સોની, પ્રોગ્રામ ઓફિસર ICDS કે એસ ચારણ, જિલ્લા મહિલા બાળ અધિકારી નીતાબેન ગામી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.