ખેડબ્રહ્મામાં દિવાલ પરથી પડી જતાં કિશોરનું મોત, પરિજનોમાં ગમગીની
ખેડબ્રહ્મા તાલુકાના ગામે દિવાલના કોટ પરથી પડી જવાથી બાળકનું કરૂણ મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. બનાવને પગલે તાત્કાલિક અસરથી બાળકને જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ડોક્ટરે મૃત હોવાનું જણાવતા પરિજનોને ધ્રાસકો લાગ્યો હતો. બાળકના પિતાએ પોલીસ સમક્ષ બાળકના મોતને લઇ કોઇ જવાબદાર ન હોવાથી પોસ્ટમોર્ટમ કર્યા વગર લાશનો કબજો મેળવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દુધલી ગામે કોઇ કારણસર દિવાલ પરથી પડી જવાથી બાળકનું મોત થયુ છે. મનુભાઇ હરતાંભાઇ ઠાકોરનો પુત્ર નિખીલ નવિન મકાનની દિવાલના કોટ પર ચડ્યો હતો. જોકે કાબુ ગુમાવતા અચાનક પગ લપસી પડતા દિવાલના કોટ પરથી પડી ગયો હતો. દિવાલ પરથી પડ્યા બાદ તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબ દેવાંશિશ ત્રિવેદીએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, અકસ્માતે બાળકના મોતની ઘટનાને લઇ ખેડબ્રહ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જોકે મૃતક નિખીલના પિતા મનુભાઇ ઠાકોરે પોલીસને જણાવ્યુ હતુ કે, મારા પુત્રના મોતને લઇ મને કોઇ ઉપર શંકા નથી. જેથી બાળકનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ તેનો મૃતદેહ લઇ ગયા હતા. આ તરફ ગામમાં નાના બાળનું મોત થયાનું જાણી સગાસંબંધીઓમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ છે.