વિજયનગરના સરસો ગામે વીજળી પડતા બે ભેસના મોત; સાબરકાંઠામાં ગઈકાલે રાત્રે આવેલા ભારે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે વાવાઝોડાથી ખેડૂતોના પાકને નુકસાન તો બીજી તરફ કાચા મકાનો પણ જમીનદોસ્ત થયાં હતા. સાબરકાંઠામાં સખત પવન અને વરસાદથી હોડીગ સહિતના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાતા લોકો રોડ પર રહેવા મજબૂર થયા હતા.
સાબરકાંઠામાં ગઈકાલે રાત્રે આવેલા ભારે વાવાઝોડાંએ ખેતીને તબાહ કરી દીધી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. તૈયાર ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે. હિંમતનગર, વડાલી, ઇડર, વિજયનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં ખેતરોમાં ખેતપાક જમીનદોસ્ત થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે પવન અને વરસાદે પાકને સંપૂર્ણ રીતે પટક્યો છે. ઉનાળુ બાજરીનો પાક જમીનદોસ્ત થવાથી ખેડૂતો ચિંતિત થયા છે.
સખત પવન અને વરસાદથી સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ઝાડ પડવાથી રસ્તા અવરોધિત, વાહનવ્યવહાર ઠપ્ થયો છે. હિંમતનગરના તખતગઢ ખાતે ઝાડ પડતાં ત્રણ વાહનો દટાયા હતા. તેથી સ્થાનિક લોકોએ બચાવ અને વાહન બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. કેટલાક કાચાં મકાન ધરાશાયી તો કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા હતા. વાવાઝોડાના પગલે લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા. સખત પવન અને વરસાદથી હોડીગ સહિતના વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડાથી ભારે તારાજી સર્જાતા લોકો હચમચી ગયા હતા. સાબરકાંઠાના સરસો ગામે વાવાઝોડા વચ્ચે વીજળી પડતા બે દૂધાળાં ભેસના મોત થયા હતા.