પરંપરાગત ખેતી છોડી બાગાયતમાં પ્રાકૃતિક ખેતી કરી મીઠા અને સ્વાદિષ્ઠ ફળપાકનું બમણુ ઉત્પાદન મેળવી આર્થિક સધ્ધરતા મેળવતા હરેશભાઇ પટેલ બાગાયતી પાકો માટે સરકાર દ્રારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે.
સાબરકાંઠાના વડાલી તાલુકાના કેસરગંજના ખેડૂતે હરેશભાઇ પટેલે પરંપરાગત ખેતી છોડી બાગાયતમાં પ્રાકૃતિક ખેતી કરી ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની નવીન જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતા પૂર્વક ખેતી થકી ત્રણ વર્ષના અંતે જામફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે. હરેશભાઇએ પાટણ યુનિ. એગ્રિકલ્ચર ઇન ઇકોનોમિક્સમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે.
હરેશભાઇ જણાવે છે કે, ૨૦૦૮ થી તેઓ ખેતી સાથે જોડાયા હતા. ૨૦૧૪માં તેઓ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પોતાના શૈક્ષણિક અનુભવો થકી તેઓ બાગાયતી ખેતી તરફ વળ્યા હતા. શરૂઆતમાં તેમણે સિતાફળના પાકની સફળ ખેતી કરી છે. ચાર એકરમાં સિતાફળના વૃક્ષોનું વાવેતર છે. ત્રણ વર્ષ અગાઉ આ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળના પાક વિશે જાણકારી મેળવી કલમો મંગાવી બે એકરમાં આ જામફળની ખેતીની શરૂઆર કરી હતી. આજે ત્રણ વર્ષની અંદર જ તેના ઉત્પાદનની શરૂઆત થઈ છે.
હરેશભાઈ વધુમાં ઉમેર્યું કે આ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળ ની ખેતી શરૂ કરવા કલમ અને અન્ય ખર્ચ રૂ. 3 લાખ થયો હતો. જેમાં બાગાયત વિભાગ દ્રારા તેમણે ૫૦ હજાર સહાય મળી હતી. ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડના વાવેતરમાં બે વર્ષ બાદ ત્રણ વર્ષથી હવે ઉત્પાદન શરૂ થયુ જેમા પ્રતિ કિ.રૂ. ૧૫૦ ના ભાવે જામફળનું છુટક વેચાણ કરે છે. આ જામફળની મીઠાશ ચાખ્યા પછી લોકો તેના ચાહક બની ઘરે આવી જામફળ ખરીદે છે. અત્યાર સુધીમાં રૂ. 40,000 થી વધારેનું ઉત્પાદન થઈ ચુક્યુ છે અને હાલ ઉત્પાદન શરૂ છે. આ પ્રથમ વર્ષ હોઇ આવતા વર્ષે ઉત્પાદન વધશે તે ચોક્કસ છે. આ જામફળની વચ્ચે તેઓ આંતર પાકમાં સફેદ કાબુલી ચણા, ગલગોટા, કપાસ જેવા પાકો કરે છે. જેથી અન્ય ખર્ચ નીકળી શકે અને આર્થિક ફાયદો વધુ મળી શકે. આ સીવાય ચાર એકરમાં સિતાફળની ખેતી કરે છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ઓછી જમીનમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે દિન પ્રતિદિન રાસાયણિક દવા તેમજ ખાતરોનો ભરપૂર માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે ખેતીમાં આર્થિક ખર્ચ વધે છે. તેમજ આ રાસાયણીક ખેતી જમીન પર્યાવરણ અને લોકોના સ્વસ્થ્ય પર વિપરીત અસર કરે છે. જેના કારણે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો લોકો ભોગ બની રહ્યા છે.
બાગાયત અધિકારી દિનેશભાઈ પટેલ જણાવે છે કે, સાબરકાંઠા જિલ્લામાં શરૂ થયેલી ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની પ્રાકૃતિક ખેતી આગામી સમયમાં વ્યાપક રીતે સફર બને અને જિલ્લાના અન્ય ખેડૂતો પણ બાગાયત ખેતી તરફ પ્રાકૃતિક ખેતીમાં આગળ વધશે તો દિન પ્રતિદિન રાસાયણિક ખેતીથી જળ જમીન અને વાતાવરણ સહિત લોકોનું આરોગ્ય બગડતું અટકશે તે નક્કી છે.