સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,99,560નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ટીમને બાતમી મળી હતી કે ત્રણ શખ્સો CNG રિક્ષા (GJ.09.AX.7999)માં ચોરીનો મુદ્દામાલ લઈને નવી સિવિલથી ગઢોડા રોડ પર આવ્યા છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રિક્ષામાં ત્રણ અને એક બહાર ઊભેલા વ્યક્તિને પકડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં મનહરસિંહ પુંજસિંહ રાઠોડ, અશ્વિનસિંહ ચંપકસિંહ રાઠોડ, રાહુલસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ (ત્રણેય રહે. માઢા, મોયદ, પ્રાંતિજ) અને મદનલાલ બાબુલાલજી પ્રજાપતિ (રહે. હિંમતનગર)નો સમાવેશ થાય છે. રિક્ષાની તપાસમાં પ્લાસ્ટિકની કોથળીમાંથી કાળા કલરના ઇલેક્ટ્રિક વાયર મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ટલોડના દાદરડા પાસેથી વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તેઓ આ વાયર હિંમતનગરના ભંગારના વેપારી મદનલાલને વેચવા જતા હતા. આરોપીઓએ તલોદ, હિંમતનગર ગ્રામ્ય અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે રૂ. 44,040ના ઇલેક્ટ્રિક કેબલ, રૂ. 1.50 લાખની રિક્ષા, રૂ. 5,000ના બે મોબાઇલ ફોન અને રૂ. 20ની પક્કડ જપ્ત કરી છે.