સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને એલસીબીએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાંદીના છત્તર અને રોકડ સહિત કુલ રૂ. 23,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન, તેણે અંબાજીના કુંભારીયાના અન્ય પાંચ શખ્સો પણ આ ચોરીઓમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી.
એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયાએ જણાવ્યું હતું કે, પ્રાંતિજ તાલુકાના સલાલ અને પોગલું ગામના મંદિરોમાં તાજેતરમાં થયેલી ચોરી અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન, એલસીબીને હિંમતનગર મુખ્ય બસ સ્ટેન્ડની ગલીમાંથી રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ અંગે બાતમી મળી હતી.
બાતમીના આધારે, એલસીબીએ તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રમેશ ઉર્ફે દિનેશ સરાફીયા નટ (રહે. કુંભારીયા, નટવાસ, અંબાજી) જણાવ્યું હતું. પોલીસે તેની અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચાંદીના 10 નંગ છત્તર મળી આવ્યા હતા. રમેશ નટે કબૂલ્યું હતું કે તેણે અન્ય પાંચ વ્યક્તિઓ સાથે મળીને ચિઠોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચિતરીયા-પાલના ડુંગર પરના મંદિરનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડ ચોરી કરી હતી. આ ઉપરાંત, આ છ જણાએ વડાલીના થેરાસણા ગામના મંદિરમાંથી પણ દાનપેટી તોડી રોકડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
એલસીબીએ મુખ્ય સૂત્રધાર પાસેથી રૂ. 20,000ના 10 ચાંદીના છત્તર, રૂ. 3,900 રોકડા અને એક બેટરી મળી કુલ રૂ. 23,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ માટે આ સૂત્રધારને પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ અન્ય ફરાર શખ્સોના નામ બાલીયા સરમનીયા નટ, ઈન્દ્રરાજ પ્રકાશભાઈ નટ, ભેરૂભાઈ ગોકળભાઈ નટ, વાઘેલાભાઈ રાધાકીશનભાઈ નટ અને અર્જુન ફતીયાભાઈ નટ (તમામ રહે. કુંભારીયા, નટવાસ, અંબાજી) છે.

