ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે જર્મન શહેર બર્લિનમાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા. આ દરમિયાન તેમણે માત્ર ભારત-જર્મની સંબંધોની પ્રગતિની ચર્ચા જ નહીં, પરંતુ NRI ની ભૂમિકાને પણ મહત્વપૂર્ણ ગણાવી. ડૉ. જયશંકરે આ બેઠકને સારી અને ફળદાયી વાતચીત ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં NRI નું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. સમુદાયના સભ્યોને સંબોધતા, મંત્રીએ તેમને ભારતની પ્રગતિ, સંસ્કૃતિ અને મૂલ્યોની વાર્તા જર્મનીમાં શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.
એસ જયશંકરે કહ્યું હતું, મેં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓને ભારતની વિકાસગાથા અન્ય લોકો સાથે શેર કરવા અને આપણા દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ સંભાવનાને સાકાર કરવામાં ભૂમિકા ભજવવા વિનંતી કરી. આજનું ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે, અને અમે વિશ્વ સાથે નવી રીતે જોડાવા માટે તૈયાર છીએ.” તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે ભારતીય ડાયસ્પોરાનું કાર્ય વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનતા, વ્યવસાય અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં ભારત-જર્મની સહયોગને વધુ ઊંચાઈએ લઈ જવા માટે એક પુલ જેવું છે.
જર્મનીમાં સ્થાયી થયેલા ભારતીયોની સિદ્ધિઓની પ્રશંસા કરતા જયશંકરે કહ્યું કે તેમણે પોતાની મહેનત અને સમર્પણથી જર્મન સમાજમાં પોતાના માટે એક ખાસ સ્થાન બનાવ્યું છે એટલું જ નહીં પરંતુ ભારતની સકારાત્મક છબીને પણ મજબૂત બનાવી છે. આ પ્રસંગે અનેક અગ્રણી ડાયસ્પોરા સંગઠનોના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો અને યુવા વ્યાવસાયિકો હાજર રહ્યા હતા. તેમણે વિદેશ મંત્રી સાથે શિક્ષણ, વેપાર, વિઝા પ્રક્રિયાઓ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.