રશિયન હુમલાઓના જવાબમાં યુક્રેને મોસ્કો પર મોટો હુમલો કરવાનો દાવો કર્યો છે. યુક્રેને શનિવારે એક મુખ્ય રશિયન એરબેઝ પર ઘાતક હુમલો કરીને તેને ઉડાવી દેવાનો દાવો કર્યો છે. આ પહેલા, શુક્રવારે રાત્રે રશિયાએ સેંકડો ડ્રોનથી યુક્રેન પર હુમલો કર્યો હતો. આ હુમલાઓથી યુક્રેન ગુસ્સે ભરાયું હતું અને તેણે મોસ્કો પર પણ બદલો લેવાનો હુમલો કર્યો હતો.
યુક્રેનના લશ્કરી જનરલ સ્ટાફે શનિવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન સેનાએ રશિયાના વોરોનેઝ ક્ષેત્રમાં સ્થિત બોરીસોગલેબસ્ક એરબેઝ પર આ હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ એરબેઝ રશિયાના SU-34, SU35S અને SU-30SM ફાઇટર પ્લેનનો મુખ્ય બેઝ માનવામાં આવે છે. જનરલ સ્ટાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’ પર જણાવ્યું હતું કે સેનાએ એક એરબેઝને નિશાન બનાવ્યું હતું, જ્યાં ડેપોમાં ગ્લાઇડ બોમ્બ, એક તાલીમ વિમાન અને સંભવતઃ અન્ય વિમાનો પણ હતા. જોકે, રશિયન અધિકારીઓએ હુમલા અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.