ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ ને લઈને દેશના જવાનોને ઈમરજન્સી સમયે રક્તની જરૂર પડે તો તેમના સુધી સરળતાથી રક્ત પહોંચી શકે તે માટે પાલનપુર તાલુકાના નાનકડા રૂપપુરા ગામના લોકોએ બ્લડકેમ્પ કરી 100 જેટલી રક્તની બોટલો એકત્ર કરીને દેશભક્તિની અનોખી મિશાલ પુરી પાડી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે. જેને લઈને કોઈપણ સમયે દેશની રક્ષા કરતા જવાનોને લોહીની જરૂર પડે અને તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુરના નાનકડા રૂપપુરા ગામે અનોખી પહેલ કરીને ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. જેને લઈને ગામની આ દેશભક્તિ જોઈને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને એક નિવૃત જવાન પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચ્યા હતા. જ્યાં ન ફક્ત ગામના યુવાનો અને વડીલો જ રક્તદાન કરી રહ્યા હતા પણ ગામની મહિલાઓએ પણ દેશના જવાનો માટે રક્તદાન કર્યું હતું. તો નિવૃત આર્મી જવાને પણ પોતાનું રક્ત આપીને નિવૃત થયા ના 8 વર્ષ બાદ પણ દેશભક્તિ બતાવી હતી. તો ગામના એક પતિ-પત્ની એ પણ હોંશભેર રક્તદાન કેમ્પમાં પહોંચીને રક્તદાન કર્યું હતું.
જોકે આ રક્તદાન કેમ્પને લઈને ગામલોકો એ કહ્યું હતું કે, દેશના જવાનો આપણા માટે દેશની સરહદો ઉપર દુશ્મન સામે ઊભા છે તેવા સમયે આપણી પણ ફરજ બને છે કે તેમના માટે આપણે રક્તદાન કરીને રક્ત પહોંચાડીયે અને તેમને મદદરૂપ થઈએ. જેથી અમે આજે 100થી વધુ રક્તની બોટલો એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો હોવાનું ગામના અગ્રણી મેઘરાજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. ગામ લોકોની દેશદાઝને અને જવાનો પ્રત્યેના સમર્પણ ભાવને પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકરે બિરદાવ્યો હતો.