અંબાજીને જોડતા મુખ્ય રોડ પર ઠેર ઠેર ગાબડા પડતા અકસ્માતની ભીતિ
બિસ્માર માર્ગ મામલે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરતું હોય સ્થાનિકોમાં રોષ; પાલનપુરમા તાજેતરમાં પડેલા સામાન્ય વરસાદ ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર બન્યા છે. જેમા યાત્રાધામ અંબાજી ને જોડતા માર્ગ પર મિરાગેટ નજીક રોડ પર મસ મોટા ગાબડા પડયા છે. જેને લઇ આ માર્ગે પસાર થતા વાહન ચાલકોમાં સતત અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ચોમાસાની સિઝનમા રોડ પરના ગાબડા કોઇ દૂર્ગટના સર્જે તે પહેલા બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. પાલનપુર શહેરમાં રોડ રસ્તા પાછળ વર્ષે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવી રહ્યો છે પંરતુ ક્યાંક કોન્ટ્રાકટરોની મેલી મુરાદને લઇ તકલાદી તેમજ તલ પાપડી જેવા રોડ બનતા હોય સામાન્ય વરસાદમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા રોડ તૂટી જતા હોય છે જે રીતે ગત અઠવાડિયે પડેલા સામાન્ય વરસાદમા મીરાગેટ દરગાહ સામે આંબલી આગળના મુખ્ય રોડ પર ઠેક ઠેકાણે મસ મોટા ગાબડા પડયા છે.
જોકે આ માર્ગે યાત્રાધામ અંબાજી અને વડગામને જોડતો મુખ્ય માર્ગ હોય અહી રાત દિવસ વાહનોનો ભારે ઘસારો રહે છે. ત્યારે રોડ ના વચ્ચોવચ પડેલા ગાબડાઓને લઇ અહીથી પસાર થતા વાહન ચાલકોમા દૂર્ગટના સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. જોકે આ મામલે આ વિસ્તારમાં ચૂંટાઇ આવેલા ભાજપના બે તેમજ કોંગ્રેસના બે નગરસેવકો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે ત્યારે આ ખખડઘજ રોડ કોઈ અકસ્માતને અંજામ આપે તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા આ બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી હતી.
રોડ પરના ગાબડા મામલે સ્થાનિક નગરસેવકો આંખ આડા કાન; પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં ભાજપના બે તેમજ કોંગ્રેસના બે સભ્યો ચૂંટાઈ આવેલા છે જે પૈકી પાલિકાના વિપક્ષના નેતા પણ આ વોર્ડના છે તેમ છતાં મીરા ગેટ આંબલી આગળ જાહેર રોડ પર પડેલા મોટા ગાબડા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી સાવ બિસ્માર માર્ગને લઇ સ્થાનિકો તેમજ વાહન ચાલકો હાલાકી ભોગવવી પડી રહી છે.