પાટણ શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પ્રસ્તાવિત રીંગ રોડ પ્રોજેક્ટ એક નવા તબક્કામાં પ્રવેશ્યો છે. માર્ગ અને મકાન વિભાગની મહેસાણા વર્તુળ કચેરીએ આ પ્રોજેક્ટની દરખાસ્ત સરકારમાં મોકલી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરના 32 કિલોમીટર લંબાઈના આ રીંગ રોડ માટે અંદાજે રૂ.એક હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. શહેરની મધ્યમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ બની રહેશે. પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે 11 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને આ પ્રોજેક્ટની મંજુરી માટે રજુઆત કરી હતી. તેમણે શહેરમાં વધતા જતા અકસ્માતો અને ભારે વાહનોની અવર જવર ની સમસ્યા તરફ ધ્યાન દોર્યું હતું.
માર્ગ અને મકાન વિભાગની પેટા કચેરીએ 12 માર્ચ 2025ના રોજ નગરપાલિકાને જણાવ્યું હતું કે પ્રોજેક્ટનો બ્લોક અને એસ્ટીમેટ સરકારમાં મોકલી દેવામાં આવ્યો છે. હવે સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી શરૂ થઈ શકશે. શહેરનો વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. અને ટ્રાફિકની સમસ્યા ગંભીર બનતી જાય છે. આ પ્રોજેક્ટની મંજૂરી મળવાથી શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં મોટો સુધારો થવાની આશા આશા વ્યક્ત કરવામાં આવી છે.