શહેરમાં રોડ- રસ્તાની કામગીરી સામે સવાલો ઉઠ્યા; ડીસાની સોમનાથ ટાઉનશીપ નજીક નિર્માણાધીન ડામર રોડની કામગીરીમાં ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક કોર્પોરેટરના પતિ મોતીભાઈ પ્રજાપતિએ આ અંગે રજૂઆત કરી છે કે નવો બની રહેલો રોડ કાગળ જેવો પાતળો છે, જે હલકી ગુણવત્તાવાળી સામગ્રીના ઉપયોગ અને નબળી કામગીરી દર્શાવે છે.
પ્રાથમિક તપાસમાં, સ્થાનિક કોર્પોરેટરોએ ઘટના સ્થળે જઈ રોડની ગુણવત્તા ચકાસતા કામમાં ગેરરીતિ સ્પષ્ટપણે જણાઈ હતી. નબળી ગુણવત્તાવાળા રોડ-રસ્તા બનતા હોવાથી પાલિકાના કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. આ અંગે પાલિકા પ્રમુખનો સંપર્ક સાધતા, તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરે આ બાબત તેમના ધ્યાન પર લાવી છે. તેમણે ખાતરી આપી હતી કે આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે શહેરી વિસ્તારમાં બની રહેલા અન્ય રોડ-રસ્તાઓની ગુણવત્તા પર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.